અમિત શાહે ગુજરાતમાં શું કરી જાહેરાત ? જુઓ
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે એવી જાહેરાત કરી હતી કે દેશના દરેક જિલ્લામાં એક સહકારી બેન્ક અને એક દૂધ ઉત્પાદક સંઘ બનાવવાનું સરકારે લક્ષ્ય રાખ્યું છે. એ જ રીતે આગામી 5 વર્ષમાં 2 લાખ પંચાયતોમાં પ્રાથમિક કૃષિ રૂણ સમિતિઓ બનશે. દેશ હવે બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે.
ગુજરાતનાં પ્રવાસ દરમિયાન સહકારિતા સંમેલનને સંબોધન કરતાં એમણે કહ્યું હતું કે પાછલા સમય દરમિયાન સહકારિતા મંત્રાલયે અનેક સારા પગલાં લીધા છે છતાં આજે પણ દેશમાં 2 લાખ પંચાયતો એવી છે જ્યાં કોઈ સહકારી સંસ્થા નથી. કોઈ સહકારી બેન્ક કે દૂધ ઉત્પાદક સંઘ નથી.
આવા વિસ્તારોમાં સરકાર આવા સંઘ ખોલવા માંગે છે અને 5 વર્ષનો પ્લાન બન્યો છે જેમાં સહકાર ક્ષેત્રમાં દેશ વધુ પ્રગતિ કરશે. શાહે એવી માહિતી પણ આપી હતી કે સરકાર ખૂબ જ જલ્દી રાષ્ટ્રીય સહકારિતા નીતિ લાવશે અને તેના થકી દરેક પંચાયતોમાં અભિયાન હાથ ધરવામાં આવશે.
શાહે નાબાર્ડને પણ એવી અપીલ કરી હતી કે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે પગલાં લેવામાં આવે. આ રીતે બધા સાથે મળીને સહકારી અભિયાન મજબૂત બનાવશું. સરકાર આ દિશામાં આગળ વધવા માંગે છે અને રાષ્ટ્રીય નીતિ બનાવવા માટે બેઠકો કરવામાં આવશે અને બધાના સૂચનો લેવામાં આવશે.