દેશના હાઇ-વે અંગે નીતિન ગડકરીએ શું કરી છે જાહેરાત ? જુઓ
દેશભરમાં હાઇ- વેની સ્થિતિ સુધારવા અને વધુ આધુનિક બનાવવા માટે સરકારે કમર કસી છે અને તેના માટે ટૂક સમયમાં જ પ્લાન જાહેર કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે દેશના હાઇ વેને અમેરિકી સ્ટાન્ડર્ડના બનાવવા માટે સરકારે 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે .
એમણે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં જ દેશના બધા જ હાઇ-વેની કાયાપલટ કરવામાં આવશે અને વધુ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે . ખાસ કરીને નોર્થ ઈસ્ટ પર વધુ ધ્યાન આપવામા આવશે . ત્યાં વધુ આધુનિક સગવડો આપવામાં આવશે .
ગડકરીએ કહ્યું હતું કે દેશમાં માળખાગત સુવિધાઓનો સંપૂર્ણ કાયાકલ્પ કરવાનો સરકારનો નિર્ધાર છે . આ કામ કરવામાં બે વર્ષનો સમય લાગશે તે વિશ્વના અન્ય દેશોની સાથે સ્પર્ધા કરે તેવા ફેરફાર હશે અને હાઇ-વેને વધુ સુરક્ષિત બનાવવા માટે ખાસ ધ્યાન અપાશે.
અમેરિકાના રોડ અને હાઇ-વે જેવા છે તેવા જ બનાવવાનો સરકારનો પ્લાન છે . સીમા વિસ્તારોમાં પણ આ રીતે કાયાકલ્પ કરવા માટે રૂપરેખા ઘડાઈ રહી છે અને લોકોને વધુ આધુનિક સુવિધા મળે અને હાઇ-વે જોવાલાયક અને સુરક્ષિત બને તેવો પ્રયાસ છે.
એમણે એવી માહિતી પણ આપી હતી કે દેશમાં નેશનલ હાઇ-વેના નેટવર્કને ખૂબ જ વિસ્તારવામાં આવ્યું છે અને આ કામ હજુ પણ આગળ વધારવામાં આવી રહ્યું છે . તેના સ્ટાન્ડર્ડમાં પણ ઘણો સુધારો કરાયો છે. અકસ્માતો ઓછા થાય તે માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે .