- : જેતપુરના રાજેશ્વરી સોસાયટીની ઘટના : હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા ત્યારે તસ્કરોએ રસોડાના દરવાજામાં હોલ પાડી અંદર ઘૂસી તિજોરીઓ ખાલી કરી નાખી
વોઇસ ઓફ ડે રાજકોટ
જેતપુરમાં રાજેશ્વરી સોસાયટીમાં રહેતાં વેપારી પત્નીની સારવાર માટે હોસ્પિટલે દવા લેવા ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ અને દાગીના મળી કુલ પોણા આઠ લાખની મતાની ચોરી જતાં જેતપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ રાજેશ્વરી સોસાયટીમાં ઇન્દ્રેશ્વર મંદિર પાસે રહેતાં જયદિપભાઇ દલસુખભાઇ કેશરીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની બે પુત્રો સાથે રહે છે. તેઓને જેતપુર સ્ટેન્ડ ચોક પાસે આવેલ મહાવિર શોપીંગ સેન્ટરમાં મનિષકુમાર દલસુખભાઈ નામની પેઢીમાં ડુંગળી અને બટેટાનો વેપાર કરે છે.ગત તા.18/07ના તેમની પત્ની પુજાબેનને બિમારી સબબ જેતપુર કણકીયા પ્લોટમાં આવેલ પરમેશ્વર હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. તેમના પત્નીની તબીયત સારી ન હતી, જેથી ગત તા.22/07 ના તેમનો સાળો પ્રતિકભાઇ રાજકોટથી બસીરબાપુને લાવેલ અને મારી પત્ની બિમાર હોવાથી બસીર બાપુએ દોરા ધાગા કરેલ અને સાંજના આઠેક વાગ્યે તેઓ ઘરેથી ફ્રૂટ લઇ મોટા ભાઇ મનિષભાઇના ઘરે મુકવા ગયા અને ત્યાથી તેમના પત્ની પાસે હોસ્પીટલે જતાં રહ્યા હતા.ગત તા.23/07 ના બપોરના તેઓ પોતાના ઘરે ગયા ત્યારે રસોડાનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો.અને રસોડામાં આવવાના દરવાજામાં હોલ પાડેલો હતો. અને બેડરૂમમાં તપાસ કરતાં તિજોરીમાં રાખેલા ધંધાના રૂ.3,85 લાખ રોકડ અને સોનાના ઘરેણાં રૂ.3.95 લાખનો મુદામાલ જોવા મળ્યો ન હતો જેથી તેમને પોલીસને જાણ કરતાં જેતપુર સિટી પોલીસ દોડી આવી હતી.અને ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી.
