રાજકોટના ફટાકડાના ધંધાર્થીઓને પાણીની ટાંકી ગોટાળે ચડાવશે! દુકાન ઘરની હોય કે ભાડાની 1000 લીટરની પાણીની ટાંકી રાખવી ફરજિયાત
દિવાળીના તહેવારો એકદમ નજીક આવી રહ્યા છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણના નાના-મોટા સ્ટોલ શરૂ થવાના છે. TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમો કડક થઈ જતાં બે વર્ષથી ધંધાર્થીઓ હેરાન થઈ રહ્યા હોય આખરે સરકારે તેમાં વચ્ચેનો રસ્તો કાઢીને નિયમો થોડા હળવા જરૂર કર્યા છે. જો કે ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત રાખવાને લઈને જે નિયમ ઘડાયા છે તે ધંધાર્થીઓને ગોટાળે ચડાવી શકે છે. ખાસ કરીને દરેક દુકાન ઉપર 1000 લીટરથી પાણીની ટાંકી રાખવાનું ફરજિયાત કરાતા ધંધાર્થીઓની હેરાનગતિ વધી જવાની શક્યતા નકારી શકાતી નથી.

સરકાર દ્વારા જારી કરાયેલા નિયમ પ્રમાણે 500 ચોરસમીટરથી ઓછી જગ્યામાં ફટાકડાની દુકાન કે સ્ટોલ હોય તો તે ધંધાર્થીએ ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવાની જરૂર રહેતી નથી પરંતુ સાથે સાથે આ ધંધાર્થીએ જ્યાં દુકાન ભાડે રાખી હોય અથવા તો ઘરની હોય તો તેણે અગાશી ઉપર 1000 લીટરની પાણીની ટાંકી રાખવી જરૂરી છે સાથે સાથે પૂરતો ફોર્સ આવે છે કે નહીં તેનું ધ્યાન રાખવું પણ ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત ધંધાર્થીએ ફાયર સેફ્ટીના 13 પ્રકારના સાધનો રાખવા જરૂરી કર્યા છે. 500 ચોરસમીટરથી ઓછી જગ્યામાં સ્ટોલ કે દુકાન હશે તો ફાયર વિભાગ તેમાં દરમિયાનગીરી કરશે નહીં અને પોલીસ દ્વારા ચેકિંગ કરીને તમામ સાધનો નિયમ પ્રમાણે છે કે નહીં તે જોઈને લાયસન્સ ઈશ્યુ કરી દેશે. જો 500 ચોરસમીટરથી વધુ જગ્યામાં સ્ટોલ કે દુકાન હશે તો ફાયર વિભાગ સ્થળ ચકાસણી કર્યા બાદ એનઓસી ઈશ્યુ કરશે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સદર સહિતની બજારો કે જ્યાં અનેક ધંધાર્થીઓ દસ અથવા પંદર દિવસ માટે ફટાકડાના વેચાણઅર્થે દુકાન ભાડે રાખતા હોય ઘણી દુકાનો ઉપર 1000 લીટરની પાણીની ટાંકી રાખવી શક્ય ન હોવાથી તેમને લાયસન્સ મળવામાં કઠણાઈનો સામનો કરવો પડી શકે છે. હાલ તો નાના-મોટા ધંધાર્થીઓ મહાપાલિકા કચેરીમાં કાર્યરત ફાયર વિભાગમાં નિયમ સમજવા માટે આવી રહ્યા હોય તેમને સમજ અપાઈ રહી છે. જો કે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ પાણીની ટાંકી સહિતનો મુદ્દો ગરમાતો જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
એકંદરે ફાયર વિભાગને એનઓસી ઈશ્યુ કરવામાંથી રાહત અપાઈ છે જ્યારે પોલીસ દ્વારા સઘળું ચેકિંગ કરવામાં આવનાર છે સાથે સાથે મહાપાલિકાનો એસ્ટેટ વિભાગ પણ જગ્યાનું ભાડું વસૂલી છૂટી જશે.
