ગુજરાતની ૨૫ બેઠક પર આવતીકાલે મતદાન : મોદી-શાહ સહીત અનેક મહાનુભાવો કરશે વોટિંગ
લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી… આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થઇ છે તેથી ત્યાં મતદાન થવાનું નથી. ત્રીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી તંત્રએ પૂરી તૈયારી કરી લીધી છે. આ વખતના મતદાનમાં અનેક મહાનુભાવોનું રાજકીય ભાવી પણ ઈવીએમમાં કેદ થશે. આ વખતે ઉનાળો કાળઝાળ છે અને ચૂંટણીના ગરમાવા કરતા કુદરતનો ગરમાવો વધુ અનુભવાઈ રહ્યો છે.
ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.
ગુજરાતની વાત કરીએ તો વડાપ્રધાન મોદીના કેટલાક ભાષણો અને રૂપાલા-ક્ષત્રિય વિવાદને બાદ કરતા બાકી ચૂંટણીમાં કોઈ ગરમાવો જોવા મળ્યો નથી. ગુજરાતમાં સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ હવે લોકસભાની 25 બેઠકની સામાન્ય ચૂંટણી થવાની છે. આ ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.
વડાપ્રધાન મોદી, અમિત શાહ અને અનેક દિગ્ગજ નેતા ગુજરાતમાં આવશે મતદાન કરવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આજે મોડી રાતે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી 7:30 વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાર છે, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે.
મહત્ત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.