આખરે વિસાવદર-કડી પેટાચૂંટણીનું એલાન : 19 જૂને થશે મતદાન, 23જૂન આવશે પરિણામ
જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સૌરાષ્ટ્રની વિસાવદર અને ગુજરાતની કડી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા રવિવારે કરવામાં આવી હતી. આ બન્ને બેઠક ઉપર 19 જૂને મતદાન થશે તો 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાને ઘણા સમય પહેલાં જ ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કોંગે્રસ દ્વારા 1 જૂને પોતાના ઉમેદવારની જાહેરાત કરાશે. ઉમેદવાર નક્કી કરવા માટે કોંગે્રસ દ્વારા પુંજા વંશ, ઈન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા અને પરેશ ધાનાણીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
અહીં 2014થી 2022 દરમિયાન ત્રણ વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ છે જેમાં બે વખત કોંગે્રસ તો એક વખત આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હોય ભાજપ માટે આ બેઠક જીતવી ઘણી અઘરી હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. જો કે 2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર વિજેતા બનેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં આ બેઠક ઘણા લાંબા સમયથી ખાલી પડી હતી.
આ ઉપરાંત કડી બેઠક માટે કોંગે્રસ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુભાઈ દેસાઈને પ્રભારી તરીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એકંદરે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી, કોંગે્રસ અને ભાજપ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે.