VIDEO:રાજકોટ ‘ક્રિકેટમય’! ભારત-ન્યુઝીલેન્ડ ટીમ આજથી 3 દિવસ મહેમાન’, ભારતીય ક્રિકેટરોને તુવેરના ઠોઠા, મેથીપાપડ, ઓળો પીરસાશે
બુધવારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર બપોરે 1:30 વાગ્યાથી ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મુકાબલો રમાવાનો છે ત્યારે આ મેચ રમવા માટે આજે સોમવારે સાંજે બન્ને ક્રિકેટ ટીમ ખાસ પ્લેનમાં રાજકોટ આવી પહોંચી છે. એકંદરે આજથી ત્રણ દિવસ એટલે કે ગુરૂવાર સુધી રાજકોટ ક્રિકેટમય રહેશે. ખાસ કરીને ઘણા લાંબા સમય બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટમાં મેચ રમવા માટે આવી રહ્યા હોય તેમનું ખાસ્સું આકર્ષણ રહેશે. જાણવા મળ્યા પ્રમાણે આજે બપોરે ત્રણ વાગ્યે બન્ને ક્રિકેટ ટીમ વડોદરાથી રાજકોટ આવશે.
ટીમ ઈન્ડિયાને નાનામવા રોડ ઉપર હોટેલ સયાજીમાં ઉતારો આપવામાં આવ્યો છે. 76 રૂમની આખી હોટેલ બુક કરી લેવામાં આવી છે. આ વખતે કેપ્ટન શુભમન ગીલ, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓના રૂમ એક જ પ્રકારના રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટીમ આજે રાજકોટ આવી પહોંચ્યા બાદ ગુરૂવારે અહીંથી રવાના થશે.
જ્યારે ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડીઓને 150 ફૂટ રોડ ઉપર હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. ક્રિકેટરોની સુરક્ષા સહિતને ધ્યાનમાં રાખી બન્ને હોટેલના તમામ રૂમ બુક કરવામાં આવ્યા છે. આજે રાજકોટ આવી પહોંચ્યા બાદ મંગળવારે બન્ને ટીમ સ્ટેડિયમ ઉપર નેટ પ્રેક્ટિસ કરશે અને બુધવારે સવારે સ્ટેડિયમ પહોંચી ગયા બાદ હળવી કસરત કરીને સીધા મુકાબલો કરવા ઉતરશે. મેચ છે એ જ દિવસે ઉતરાયણ પણ હોય ક્રિકેટરસિકોને પતંગના પેચ ઉપરાંત બેટ-બોલનો જંગ જોવાની બમણી તક રહેશે.
ટીમ ઈન્ડિયા
શુભમન ગીલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ.રાહુલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, હર્ષિતરાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સીરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નીતિશ રેડ્ડી, અર્શદીપસિંઘ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ
ટીમ ન્યુઝીલેન્ડ
માઈકલ બે્રસવેલ (કેપ્ટન),ડેવોન કૉનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મીચેલ, ગ્લેન ફિલિપ્સ, મીચેલ હે, ઝેકરી ફોલ્કસ, ક્રિસ્ટન ક્લાર્ક, કાઈલ જેમીસન, આદિત્ય અશોક, નીક કેલી, જોશ ક્લાર્કસન, માઈકલ રે, જાયડન લીનોક્સ
ભારતીય ક્રિકેટરોને તુવેરના ઠોઠા, મેથીપાપડ, ઓળો પીરસાશેઃ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ માટે પાસ્તા સહિતની વાનગી
આજથી ત્રણ દિવસ માટે ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટની `મહેમાન’ બનવાની છે ત્યારે શિયાળાની સીઝનને ધ્યાનમાં રાખી તેમના માટે વિવિધ દેશી વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટરોને હોટેલ સયાજીમાં તુવેરના ઠોઠા, મેથી પાપડનું શાક, રિંગણાનો ઓળો, બાજરાનો રોટલો ઉપરાંત ગુજરાતી થાળી સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. જ્યારે ન્યુઝીલેન્ડ ટીમ માટે હોટેલ ફોર્ચ્યુનમાં ગ્રીક યોગર્ટ, ગ્લુટેન-ફ્રી પાસ્તા, સ્પાર્કલીંગ વોટર, ડ્રિકિંગ યોગર્ટ, અલગ-અલગ પ્રકારના જ્યુસ, ઈન્ટરનેશનલ ચીઝ, ગ્લુટેન ફ્રી એન્ડ મલ્ટી ગે્રઈન બે્રડ સહિતની વાનગી પીરસવામાં આવશે. ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટનને આઠમા માળે રૂમ આપવામાં આવ્યો છે જ્યાં 100 એમબીપીએસની સ્પીડ ધરાવતું વાય-ફાય મળશે.
