રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં HAL,અદાણી, ટાટા અને રિલાયન્સ સહિતની દિગ્ગજ કંપનીઓ થશે સામેલ: ભારત સહિત 23 દેશમાંથી થયું રજિસ્ટ્રેશન
11 જાન્યુઆરીથી રાજકોટ મારવાડી યુનિવર્સિટી ખાતે શરૂ થનારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં દેશની દિગ્ગજ કંપનીઓ સહભાગી થવાની છે. આ કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ), અદાણી, ટાટા, રિલાયન્સ સહિતનો સમાવેશ થાય છે. ભારત સહિત 23 દેશોમાંથી રજિસ્ટ્રેશન મળ્યું છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે 11 જાન્યુઆરીએ બપોરે 3ઃ30 વાગ્યાથી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ તેમજ ટ્રેડ-શોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ વખતની વાઇબ્રન્ટ સમિટની થીમ `રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન’ રાખવામાં આવી છે. આ સમિટ સાથે યુક્રેન, જાપાન, રિપબ્લીક ઓફ કોરિયા અને રિપબ્લીક ઓફ રવાન્ડા જેવા દેશો ભાગીદાર દેશ તરીકે જોડાયા છે.
જ્યારે 13 જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ જોડાયા છે. 26400 ચોરસમીટરમાં આ પ્રદર્શન યોજાશે જેમાં 4400 ચોરસમીટરનું ખાસ પેવેલિયન લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ, કુટિર તેમજ હસ્તકલા ઉદ્યોગ માટે ફાળવવામાં આવ્યો છે.
વાઇૂૂબ્રન્ટ કોન્ફરન્સમાં દરરોજ લક્કી ડ્રો, કારીગરો દ્વારા ઉત્પાદનોનું પ્રદર્શન, રિવર્સ બાયર્સ સેલર્સ મીટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેગ ડિસ્પ્લે, સ્ટાર્ટઅપ-એમએસએમઈ માટેના વિશેષ પેવેલિયન મુખ્ય આકર્ષણ રહેશે.
11 જાન્યુઆરીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે. આ પછી ઓઈલ સીડ ઓપોર્ચ્યુનિટીઝ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ ઉપર સેમિનાર તેમજ ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થશે.
બીજા દિવસે રિજનલ MSME કોન્ક્લેવ, ગિફ્ટ સિટીમાં વ્યવસાયની તકો, ટેક્સટાઈલ અને જ્વેલરી ઉદ્યોગ પર સેમિનાર સહિતના કાર્યક્રમ યોજાશે.
