MS યુનિવર્સિટીની ફેકલ્ટીનું વીજ જોડાણ કપાતા VC-રજીસ્ટ્રાર રઘવાયા બનીને BMCમાં દોડ્યા
સંસ્કાર નગરી કહેવાતી વડોદરા નગરીની MS યુનીવર્સીટી હમેશા વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે. ૩૨ ફેકલ્ટી ચલાવતી યુનીવર્સીટીના એક પછી એક વિવાદો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં યુનીવર્સીટી પાસે ફાયર સેફટીનો અભાવ હતો. યુનીવર્સીટીમાં દરરોજ અનેક બાળકો અભ્યાસ માટે આવે છે ત્યારે યુનીવર્સીટીની આ લાલીયાવાડી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. M. S. યુનિવર્સિટીના સત્તાધીશોને ફાયર વિભાગે નોટિસો ફટકારી હતી.
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાની MS યુનિવર્સીટીના સત્તાધીશોની ઊંઘ નથી ઉઘડતી . આખરે યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી ના થતાં ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. ફાયર સેફ્ટીનો અભાવ જણાતા ટેકનોલોજી વિભાગનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. વીજ જોડાણ કાપી નાખવામાં આવતા અધિકારીઓને ભાન આવી હતી.
રાજકોટ TRP ગેમઝોનની આગની દુર્ઘટના બાદ હવે સરકાર કોઈ પણ બાબતે જોખમ લેવા નથી માંગતી ત્યારે વડોદરાની MS યુનીવર્સીટીને ફાયર વિભાગે ફાયર સેફ્ટીનો અભાવ જણાતા ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપી નખાયું હતું અને આગામી દિવસોમાં તમામ ફેકલ્ટીની 32 બિલ્ડિંગના વીજ જોડાણ પણ કાપવામાં આવશે. વિજ જોડાણ કપાતા રઘવાયા થયેલા વિસી,રજીસ્ટાર મ્યુ કમિશ્નરને મળવા દોડ્યા હતા
વડોદરાના મ્યુ કમિશ્નર દિલીપ રાણા એ યુનિ સત્તાધીશોને મચક ન આપી હતી અને યુનિવર્સિટીમાં ત્વરિત ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જો બીજી ફેકલ્ટીમાં વીજ જોડાણ કપાશે તો મોટી મુશ્કેલી સર્જાશે અને યુનિ માં પ્રવેશ અને પરિણામ તૈયાર કરવાની કામગીરી અટવાઈ જશે.