વડોદરાના દરજીપુરા બ્રિજ સામે વી.ટ્રાન્સ કંપનીના ગોડાઉનમાં બનેલી ઘટના: દારૂનું કટિંગ ચાલી રહ્યું’તું ત્યારે જ પોલીસ ત્રાટકી
પોલીસનું ફાયરિંગ થતાં જ પથ્થરબાજો ભાગ્યા, ૨૨.૬૯ લાખના દારૂ સાથે ત્રણ પકડાયા, આઠ ફરાર
ગુજરાતમાં દારૂની હેરાફેરીને રોકવા અન્ય પોલીસ મથક તેમજ બ્રાન્ચની તુલનાએ સ્ટેટ મોનિટરિંગ સેલ એડીચોટીના જોર સાથે કામ કરી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં દારૂ ઘૂસાડીને કમાણી કરી લેવાના બૂટલેગરોના ઈરાદા પર પાણી ફરી રહ્યું છે. જો કે અમુક બૂટલેગરોને જાણે કે પોલીસનો કોઈ જ ખૌફ ન હોય તેવી રીતે હુમલો કરતા પણ ખચકાતાં ન હોય તેમની સાન ઠેકાણે લાવવા માટે ફાયરિંગ સુધીની કાર્યવાહી પણ કરવી પડી રહી છે. આવું જ કંઈક વડોદરામાં બનવા પામ્યું છે જ્યાં દારૂ પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બૂટલેગર તેમજ તેના મળતિયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતાં પોલીસે વળતું ફાયરિંગ કરવું પડ્યું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલના બાહોશ ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સહિતની ટીમે બાતમીના આધારે વડોદરા-મુંબઈ નેશનલ હાઈ-વે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી.ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં ચાલી રહેલા દારૂના કટિંગ ઉપર દરોડો પાડ્યો હતો. અહીં જુબેર શફીક મેમણ દારૂ ભરેલા ક્નટેનરમાંથી નાની-નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો હતો ત્યારે જ દરોડો પાડતાં જુબેર શફીક મેમણ તેમજ તેના મળતિયાઓ દ્વારા પીઆઈ સહિતના સ્ટાફ ઉપર પથ્થરમારો શરૂ કરી દેતા પીઆઈ ખાંટ સહિતની ટીમે દારૂ ભરેલા ક્નટેનર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પથ્થરબાજો મુઠ્ઠી વાળીને ભાગી ગયા હતા.
પોલીસે સ્થળ પરથી ફિરોજ યાકુબ દિવાન, અલ્તાફહુસેન યાકુબહુસેન દિવાન, રતનસિંઘ જબ્બારસિંઘ સોઢાને ૨૨.૬૯ લાખની કિંમતના ૧૦૧૪૧ બોટલ દારૂ, બે વાહન, રોકડ, મોબાઈલ સહિત ૬૨,૮૮,૪૯૨ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા જ્યારે પથ્થરમારો કરનાર જુબેર શફીક મેમણ સહિતના ફરાર થઈ ગયા હોય તેમને દબોચવા માટે તજવીજ ચાલી રહી છે.