સાબરમતી ટ્રેન દુર્ઘટના : મુસાફરો સાથે વડોદરાના સાંસદે કર્યો સંવાદ
કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસનાં ડબ્બા ખડી પડવાની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઇ નથી પરંતુ આ ટ્રેનમાં સૌથી વધુ મુસાફરો વડોદરાના હતા અને તમામને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા મુસાફરો સાથે સંપર્ક સાધીને તેમની ખબર-અંતર પુછી તેમને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવવામાં આવી હતી.
મીડિયા સમક્ષ કરેલી વાતમાં સાંસદ દ્વારા મુસાફરોને જમવા તથા અન્ય સુવિધાઓ અંગે પુછવામાં આવ્યું છે. અને કોઇ પણ જગ્યાએ મદદ માટે તૈયારી દર્શાવી છે. સાંસદ રેલ મંત્રાલય અને રેલવે ડિવીઝનના સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, સાબરમતી એક્સપ્રેસમાં અજાણી વસ્તુ મુકીને ડીરેલ કરવાનો પ્રયત્ન થયો હતો. અને ટ્રેનના ડબ્બાને પાટા પરથી ઉતરી ગયા હતા. સદ્નસીબે તમામ યાત્રીઓ સલામત છે. તેમને કોઇ નુકશાન નથી થયું. આપણા કેન્દ્રિય રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવની ઓફીસ અને વેસ્ટર્ન રેલવેની ઓફીસમાં અમે સતત સંપર્કમાં રહ્યા છીએ.
કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે પણ કેટલાક યાત્રીઓનો સંપર્ક થયો છે. તેમની સાથે સંપર્ક કરીને તેમને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે, અને કઇ સુવિધાની જરૂર છે તે જાણ્યું હતું. .