વેકેશન-વરસાદ નડી ગયા! રાજકોટમાં હજુ અડધોઅડધ ખાડા બૂરવાના બાકી,વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ગાબડા મળ્યા
રાજકોટમાં આ વખતે એક સાથે પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો નથી આમ છતાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાની હાલત હાડપિંજર જેવી થઈ જતા લોકોમાં સૌથી વધુ રોષ આ મુદ્દે જોવા મળ્યો હતો. મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય સ્થિતિ પારખી જઈ શાસકો દ્વારા 1 ઑક્ટોબરથી ખાડા બૂરવાનો તેમજ રસ્તા નવા બનાવવાનો એક્શન પ્લાન જાહેર કરી દીધો હતો. જો કે આ પ્લાન જાહેર થયાના બે-ત્રણ દિવસ બાદ જ વરસાદ વરસતા કામ ડખ્ખે ચડી ગયું હતું. આ પછી જેવું કામ શરૂ થઈ ગયું કે દિવાળીનું એક સપ્તાહનું વેકેશન આવી જતા આજની તારીખે રાજકોટમાં હજુ અડધોઅડધ ખાડા બૂરવાના તેમજ નવા રસ્તા બનાવવાનું કામ બાકી હોવાનું સામે આવ્યું છે.
આ વખતે વેસ્ટ ઝોનના છ વોર્ડ જેમાં વોર્ડ નં.1,8,9,10,11 અને 12 સમાવિષ્ટ છે અને અહીંની વસતી 4,51,440ની છે ત્યાં સૌથી વધુ ગાબડા પડ્યા હોય તે પ્રકારે અહીં 5836 ટન ડામર પાથરીને ખાડા બૂરવામાં આવ્યા હતા. જો કે હજુ આઠ હજાર ટન જેટલું પેચવર્કનું કામ બાકી હોવાનું ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું. જ્યારે આ ઝોનમાં 17266 ટનના પેવરકામ મતલબ કે નવા રસ્તા બનાવાયા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું તો 7767 ટન ડામરથી ડિઝાઈન રોડ બનાવાયા હતા. હવે બે દિવસથી માવઠું વરસી રહ્યું હોવાને કારણે કામ થંભી ગયું છે અને ઉઘાડ નીકળ્યા બાદ ફરીથી શરૂ કરાશે.
આ જ રીતે સેન્ટ્રલ ઝોનના વોર્ડ જેમાં વોર્ડ નં.2,3,7,13,14 અને 17 સમાવિષ્ટ છે અને અહીંની વસતી 4,61,428ની છે ત્યાં 4634 ટન ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હોવાનું અને મહત્તમ કામ પૂર્ણ થઈ ગયાનું ઈજનેર અતુલ રાવલે જણાવ્યું હતું. હવે બે દિવસથી વરસાદ પડવાને કારણે નાના-મોટા ગાબડા પડ્યા હોય તેને અને ગોંડલ રોડ પર અમુક રસ્તા પર પેચવર્ક કરવાનું બાકી હોય ત્યાં કામ કરવામાં આવશે.
જ્યારે ઈસ્ટ ઝોનના વોર્ડ નં.4,5,6,15,16 અને 18 સમાવિષ્ટ છે અને અહીંની વસતી 4,33,321ની છે ત્યાં 2418 ટન ડામર પાથરીને પેચવર્કનું કામ પૂર્ણ થઈ ગયાનું અને હજુ આટલું જ કામ બાકી હોવાનું ઈજનેર મનોજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે લાભપાંચમથી પૂરજોશમાં કામ શરૂ કરવાનું હતું પરંતુ વરસાદ શરૂ થઈ જતા હવે સંપૂર્ણ ઉઘાડ નીકળે એટલે કામ શરૂ કરાશે જે પૂર્ણ થવામાં નવેમ્બર મધ્ય આવી શકે છે.
