નેપાળમાં હજુ અશાંતિ! વડાપ્રધાનની પસંદગી ડખ્ખે ચડી : નેપાળની અરાજકતા પાછળ ભારતનો હાથ હોવાનો ઓલીનો આરોપ
નેપાળના નવા વડાપ્રધાનની નિમણૂક મુદ્દે Gen Z આંદોલનકારીઓમાં તીવ્ર મતભેદો સર્જાયા છે. બુધવારે એ પદ માટે પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીનું નામ નિશ્ચિત જણાતું હતું, પરંતુ મળતી માહિતી મુજબ આંદોલનકારીઓના એક જૂથના વિરોધ બાદ હવે તેમના નામ ઉપર ચોકડી લાગી ગઈ છે. તેમના બદલે નેપાળની વીજ કટોકટી ઉકેલનાર ઈલેક્ટ્રિકલ એન્જિનિયર કુલ માન ઘીશિંગનું નામ સબળ સંભાવના તરીકે ઉભરી આવ્યું છે.
સૂત્રો અનુસાર બુધવારે આંદોલનકારીઓની છ કલાક લાંબી વર્ચ્યુઅલ મિટિંગમાં કાઠમંડુના લોકપ્રિય મેયર તથા રેપર બાલેન્દ્ર શાહ, પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ઘીશિંગ ના નામો ઉપર ચર્ચા થઈ હતી. શાહે આ પદ સ્વીકારવા ઇનકાર કરતાં કાર્કીનું નામ આગળ આવ્યું હતું. પણ એક જૂથે બંધારણ મુજબ પૂર્વ ન્યાયાધીશો વડાપ્રધાન બની શકતા નથી, તેમજ તેમની ઉંમર (73 વર્ષ)ને કારણે તેઓ યોગ્ય નથી એવી દલીલ કર્યા બાદ તેમનું નામ પડતું મૂકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને લીધા શપથ : સમારોહમાં જગદીપ ધનખડ પણ રહ્યા હાજર
મીડિયા અહેવાલ મુજબ કાર્કીએ તો આર્મી સાથે મંત્રણાઓ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ આંદોલનકારીઓના મતભેદ બાદ ઘીશિંગનું નામ આગળ આવતાં પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે. ઘીશિંગ પ્રખર રાષ્ટ્રવાદી અને બધાના માનીતા હોવાની છાપ ધરાવે છે.
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ વડાપ્રધાન ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમના રાજે આમાં ને પગલે નેપાળમાં ફરી એક વખત રાજકીય અસ્થિરતા અને કટોકટી સર્જાઈ છે.ત્યારે વચગાળાના વડાપ્રધાન તરીકેની નિમણૂક મુદ્દે પણ સહમતી ન સર્જાતા કોકડું ગૂંચવાયું છે.
આ પણ વાંચો :રાજકોટમાં માતા બની હત્યારી : દીકરાને બદલે દીકરીનો જન્મ થતાં સગી જનેતાએ જ કરી હત્યા, વાંચો કાળજું કંપાવનારી ઘટના
નેપાળની અરાજકતા પાછળ ભારતનો હાથ હોવાનો ઓલીનો આરોપ
નેપાળના વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર કે.પી. ઓલી શર્માએ અંતે મોઢું ખોલ્યું છે અને એમણે સીધો ભારત પર જ આરોપ મૂકીને કહ્યું છે કે, નેપાળમાં જે કંઇ થયું છે તેમાં ભારતનો હાથ હોઈ શકે છે. એમણે એમ પણ કહ્યું કે હું ક્યાંય ભાગ્યો નથી અને કાઠમંડુમાં જ છું. ઉશ્કેરણી કરી એમણે એમ પણ કહ્યું કે ભગવાન શ્રી રામનો જન્મ નેપાળમાં થયો હતો.
બંધારણીય ગૂંચવણ
નેપાળના 2015ના બંધારણ મુજબ નવા વડાપ્રધાનની નિમણૂક માટે બહુમતી ધરાવતા પક્ષમાંથી જ નામ આવવું જોઈએ. જો કોઈ પક્ષ પાસે બહુમતી ન હોય તો રાષ્ટ્રપતિ નવા પ્રધાનમંત્રીની નિમણૂક કરી શકે છે. એ વ્યક્તિએ વિશ્વાસ મત મેળવવો જરૂરી છે. વિશ્વાસ મતમાં નિષ્ફળતા મળે તો સંસદ ભંગ થઈ શકે છે અને ચૂંટણી યોજવાની ફરજ પડે છે.
