સંસદ ભવન આજે કાળું થઈ ગયું. NEET પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ પહોંચ્યા. હાથમાં બેનર અને મોઢે નારાબાજી સાથે વિપક્ષે કેન્દ્ર સરકારને સીધી ઘેરી. વિપક્ષનું કહેવું છે કે દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે અને સરકાર ગંભીર નથી.
સંસદમાં કાળા વસ્ત્રો સાથે વિરોધ, જોરદાર નારેબાજી
NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના મુદ્દે સંસદના ચાલુ સત્ર દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો. કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ પરિસરમાં આવ્યા.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ આ વિરોધમાં સામેલ હતા. અન્ય વિપક્ષી પક્ષોના સાંસદોએ પણ સમર્થન આપ્યું. સંસદ પરિસરમાં સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી.
આ પણ વાંચો: 8માં પગાર પંચમાં પગાર 31% થી 68% સુધી વધી શકે
વિપક્ષના 3 મુખ્ય આરોપ
વિપક્ષી નેતાઓએ સરકાર સામે આ મુદ્દા ઉઠાવ્યા:
1. પેપર લીક પર નિષ્ફળતા: વિપક્ષનો આરોપ છે કે સરકાર NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષામાં વારંવાર થતી ગેરરીતિ રોકવામાં નિષ્ફળ રહી છે. આનાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
2. વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી: વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને નેતાઓ સામે પોલીસે બળપ્રયોગ કર્યો. રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે “વાતચીત કરવાને બદલે લાઠી ચલાવવામાં આવી, જે યોગ્ય નથી.”
3. લોકશાહીનું ગળું દબાવવું: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ લાઠીચાર્જ પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે “લોકશાહી દેશમાં વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે તેમને દબાવવાનો પ્રયાસ ચિંતાજનક છે.”
સરકાર પાસે વિપક્ષની 2 માંગ
વિપક્ષી નેતાઓએ સંસદમાં સરકાર પાસે સ્પષ્ટ માંગ કરી:
– પારદર્શક તપાસ: NEET પેપર લીક મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
– સીધો સંવાદ: સરકારે વિદ્યાર્થીઓ સાથે બેસીને વાત કરવી જોઈએ. માત્ર નિવેદન નહીં, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં લાંબા ગાળાના નીતિગત સુધારા લાવવા જોઈએ.
વિપક્ષી નેતાઓનું કહેવું છે કે “વિદ્યાર્થીઓમાં વધતી નિરાશા દેશ માટે ખતરનાક છે. તેમના ભવિષ્ય સાથે ચેડા સહન નહીં કરવામાં આવે.”
હાલ સંસદમાં આ મુદ્દે ભારે હોબાળાની શક્યતા છે. સરકાર તરફથી હજુ સત્તાવાર જવાબ આવવાનો બાકી છે.
