- વિરાટનગર મેઈન રોડ પર ન્યુ રામેશ્વર સોસાયટીમાં આવેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા: ચોરી સીસીટીવીમાં કેદ
રાજકોટમાં તહેવારોની રજા અને વરસાદને કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે આમ છતાં તસ્કરો માટે કોઈ પ્રકારની રજા હોય તેવું લાગી રહ્યું છે. ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ન્યુ રામેશ્વર સોસાયટી શેરી નં.૬માં નાલંદા સ્કૂલ પાસે આવેલા એક મકાનમાં બે તસ્કરોએ નાના બાળકને સાથે રાખી માત્ર ૧૬ મિનિટની અંદર ૫.૮૫ લાખની ચોરીને અંજામ આપતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગે ગોંડલ રોડ ઉપર ખેતલાઆપા હોટલની બાજુમાં આવેલા વંદના ટે્રક્ટર નામના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતાં દર્શનભાઈ ભાવેશભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે વહેલી સવારે ૪:૫૩ વાગ્યે તેના ભાઈ આકાશનો ફોન આવ્યો હતો અને મને નીચે આવવાનું કહ્યું હતું. આ પછી હું ઉપરના રૂમમાંથી નીચે હોલમાં આવ્યો ત્યારે આકાશ અને મારા મમ્મી હાજર હતા. આકાષ કહ્યું કે મંગળવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યા આસપાસ તે બહાર નાસ્તો કરવા ગયો હતો અને વહેલી સવારે ૪:૫૦ વાગ્યે ઘેર આવ્યો હતો ત્યારે ઘરના દરવાજાના આંકળીયા ખુલ્લા હતા. આ પછી અમે તપાસ કરતાં રસોડામાં લોખંડના કબાટમાં મુકેલી તીજોરી જોતાં તે તૂટેલી હાલતમાં જોવા મળી હતી અને તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ૩૦,૦૦૦ હજારની રોકડ મળી ૫.૮૫ લાખની મત્તા ગાયબ થઈ ગઈ હતી.
આ પછી ઘરની બાજુના મકાનના સીસીટીવી ચેક કરતાં તેમાં ૨૮-૮ના મોડીરાત્રે ૧૨:૩૩ વાગ્યે એક મોટર સાયકલ ઉપર ત્રણ વ્યક્તિ આવે છે અને તુરંત જ શેરીના ખૂણા પાસેથી પાછા જતાં જોવા મળે છે. એકાદ મિનિટ બાદ સ્પ્લેન્ડર જેવું બાઈક રાખીને ચાલીને આવે છે અને ઘરના મુખ્ય દરવાજાને સળિયા જેવી વસ્તુથી તોડી રહ્યા છે. આ વેળાએ તેમની સાથે એક નાનું બાળક પણ જોવા મળી રહ્યું છે. ૧૨:૪૯ વાગ્યે આ ત્રણેય ઘરમાંથી બહાર નીકળે છે અને મોટર સાઈકલ હંકારીને નીકળી રહેલા જોવા મળી રહ્યા છે.