રાજકોટ જિલ્લામાં ધરા ધ્રુજી: ભૂકંપના સતત 6 આંચકાથી લોકોમાં ફફડાટ: જેતપુર-ધોરાજીની શાળાઓમાં રજા જાહેર
પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગુજરાતમાં પણ આંચકા અનુભવાયા હતા. કચ્છમાં તો અવારનવાર આંચકા અનુભવાતા હોય છે ત્યારે હવે રાજકોટ જિલ્લાની પણ ધરા ધ્રુજી હતી. 12 કલાકમાં ચાર ભૂકંપ આવ્યા બાદ સાવચેતીના પગલા તરીકે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધીની હતી. ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. સ્થાનિક લોકો કહે છે કે 24 કલાકમાં 6 વખત ધરતી ધ્રુજી ઉઠી હતી.
રાજકોટના કયા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા?
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. છેલ્લા 24 કલાકમાં વારંવાર આવેલા આંચકાથી રહેવાસીઓ ભયભીત થયા છે. શુક્રવારે સવારે 3.8 ની તીવ્રતાના આંચકાથી સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ અને ચિંતા વધી ગઈ હતી, જેનાથી રહેવાસીઓ જાગી ગયા હતા. લોકો ભયભીત થઈને ઘર છોડીને ભાગી ગયા હતા.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉપલેટાથી આશરે 28 કિલોમીટર દૂર સ્થિત હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.
છેલ્લા 12 કલાકમાં ઉપલેટામાં ભૂકંપના ચાર આંચકા
નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં 7:01 વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો :9 લોકોને વડાપ્રધાન કરતાં પણ વધુ પગાર ચૂકવી ‘વિકાસ’ કરાવશે રાજકોટ મહાપાલિકા,જાણો કોને કેટલો પગાર ચૂકવાશે
શાળાઓમાં રજા જાહેર
ભૂકંપના સતત આંચકાઓને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને જેતપુર અને ધોરાજી તાલુકાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરવામાં આવી હતી. શાળા સંચાલકોને સૂચના આપી દેવામાં આવી હતી કે બાળકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવે.
લોકોમાં ભયનો માહોલ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આંચકા એટલા સ્પષ્ટ હતા કે ઘરની ઘરવખરી પણ હલવા લાગી હતી. વારંવાર આવતા આંચકાઓને કારણે લોકો હવે ઘરમાં જતા પણ ડરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી કોઈ મોટા જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભૂસ્તર વિજ્ઞાનીઓ આ હલચલ પર નજર રાખી રહ્યા છે અને લોકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
