યુવતીને તેના પરિણિત પ્રેમીએ મરવા મજબુર કરી હોવાના આક્ષેપ સાથે યુવતીના પિતાની પોલીસમાં ફરિયાદ
ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામની એક યુવતીને એક પરિણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી હતી, તેમજ ત્યારબાદ યુવતીના પરિણિત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરીને તેને મરવા મજબુર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પીપરીપાન ગામની એક યુવતીના બે વારના લગ્ન બાદ છુટાછેડા થતાં યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપોર સાંકરીયાના નટવરભાઇ વસાવા નામના એક પરિણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગત તા.૩ જીના રોજ સાંજના ચારેક વાગ્યાના સમયે નટવરભાઇની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમેતેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ રાતના આઠ વાગ્યાના અરસામાં યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય બે ઇસમો સાથે બોલેરો ફોર વ્હિલ ગાડી લઇને યુવતીના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતીનો હાથ પકડીને તેની સાથે લઇ જતો હતો, ઘરના લોકોએ એને રોકવાની કોશિશ કરવા છતા આ લોકો ઝપાઝપી કરીને યુવતીને જબજસ્તી ગાડીમાં બેસાડીને લઇ ગયા હતા
પ્રેમી નટવરે કહ્યું હતુકે યુવતીને શોધવાની કોશિશ ના કરશો નહિ તો તેને મારી નાંખીશ. યુવતીએ તેના શરીર પર સોનાચાંદીના કેટલાક દાગીના પહેરેલ હતા. ત્યારબાદ યુવતીના પરિવારે તેની શોધ કરવા છતા તેની કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન ગતરોજ તા.૯ મીના રોજ નટવરભાઇએ યુવતીના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તા.૮ મીના રોજ યુવતીએ ઝઘડિયા ખાતે બાથરૂમ સાફ કરવાનો એસિડ પી લેતા તેને સારવાર માટે વડોદરા લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
યુવતીએ એસિડ પી લેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશભાઇ મોહનભાઇ વસાવા રહે.ગામ પીપરીપાન તા.ઝઘડિયાનાએ નટવરભાઇએ તેમની દિકરીને ઇરાદાપૂર્વક મરવા માટે મજબુર કરતા તેમની દિકરી એસિડ પી જતા મરણ પામી હોવાના આક્ષેપ સાથે યુવતીના પ્રેમી નટવર નરસિંહ વસાવા અને જશોદાબેન નટવરભાઇ વસાવા બન્ને રહે.ગામ ભીમપોર(ભીમપોર સાંકરીયા) તા.ઝઘડિયાના તેમજ અન્ય બીજા બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
