ગોધરામાં કરૂણાંતિકા : ઘરમાં આગ લાગતાં ગુંગળામણથી એક જ પરિવારના 4 લોકોના મોત, મોટા દીકરાની સગાઈ હતી આજે
ગોધરામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે જેમાં ઘરમાં આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા જેમાં મૃતકોમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થાય છે. મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું જાણવા મળે છે. ગોધરાના બામરૌલી રોડ વિસ્તારમાં આ ઘટના બની હતી. સવારે ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને રહેવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દરવાજો તોડીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. અહેવાલો અનુસાર, પરિવાર પંચમહાલ જિલ્લાના ગોધરાના બામરૌલી રોડ પર વૃંદાવન-2 સોસાયટીમાં રહેતો હતો. પરિવારમાં પતિ, પત્ની અને બે બાળકો હતા. મોટા પુત્રનું આજે સગપણ થવાનું હતું એ જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગોધરાના બામરૌલી રોડ વિસ્તારમાં મોડીરાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટસર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. સવારે ઘરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સોસાયટીના રહેવાસીઓએ ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દરવાજો તોડીને અંદર પ્રવેશતાં ચારેય લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ચારેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :રાજકોટમાં TRP અગ્નિકાંડ પછી પણ ન સુધર્યા! 1430 ગેરકાયદે મિલકત તોડી પાડવામાં વામણા
ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતની તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. ફોરેન્સિક ટીમ પણ તપાસમાં સામેલ થઈ રહી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને પુરાવા એકત્રિત કર્યા છે. તપાસ બાદ જ ઘટનાનું વાસ્તવિક કારણ જાણી શકાશે. વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
મૃતકોની યાદી
આ કરુણ દુર્ઘટનામાં દોશી પરિવારના ચાર સભ્યનાં મોત થયાં છે
- કમલભાઈ દોશી (ઉં.વ. 50) – પિતા અને જ્વેલર્સના માલિક
- દેવલબેન દોશી (ઉં.વ. 45) – માતા
- દેવ કમલભાઈ દોશી (ઉં.વ. 24) – જેની સગાઈ હતી તે યુવાન પુત્ર
- રાજ કમલભાઈ દોશી (ઉં.વ. 22) – નાનો પુત્ર
પરિવાર મોટા દીકરાના સગપણની ખુશીમાં રાત્રે ઊંઘી ગયો હશે ત્યારે તેમને કયા ખબર હશે કે સવાર થશે ત્યારે આ હર્ષનો માહોલ માતમમાં ફેરવાઇ જશે. બામરોલી રોડ પર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા ગંગોત્રીનગર (સેતુ ક્લબ પાસે)માં રહેતો અને શહેરમાં જાણીતા ‘વર્ધમાન જ્વેલર્સ’ના વ્યવસાય સાથે સંકળાયેલો કમલભાઈ દોશીનો પરિવાર ભારે ઉત્સાહમાં હતો. આજે સવારે જ તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો. ત્યારે મકાનમાં આગ લાગતાં જ એક જ પરિવારના 4નાં મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.
