રાજકોટના હરિહર ચોકમાં ‘ટ્રાફિક ટેરર’ શરૂ : રોડની બન્ને બાજુ વાહનોનું ગેરકાયદે પાર્કિંગ, તહેવારોમાં શું હાલત થશે?
રાજકોટ મહાપાલિકા દ્વારા તહેવારો ટાણે જ શહેરના અનેક વિસ્તારોને જોડતા હરિહર ચોકમાં વોંકળા માટે બોક્સ કલ્વર્ટ તેમજ રિટેઈનિંગ વોલ બનાવવાનું કામ શરૂ કરીને એક વર્ષ સુધી મહત્તમ રસ્તો બંધ કરવાની જાહેરાત કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હજુ તો આ ચોકમાં રસ્તો બંધ કરાયાને પાંચ જ દિવસ પસાર થયા છે ત્યાં ટ્રાફિક ટેરર સર્જાવાનું શરૂ થઈ જવા પામ્યું છે. આ સમસ્યા સર્જાવા પાછળ સૌથી વધુ જવાબદાર હરિહર ચોકથી જ્યુબિલી ચોક તરફ જવાના રસ્તાની બન્ને બાજુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનું ગેરકાયદેસર પાર્કિંગ હોવાનું ત્યાં જ લોકોનું કહેવું છે.

અહીંથી કાયમ અવર-જવર કરતા તેમજ નજીકમાં જ રહેતા લોકોએ `વોઈસ ઓફ ડે’ સમક્ષ રોષ ઠાલવતા કહ્યું કે એક તો અહીં રોડ એકદમ નાનો છે ઉપર જતા રસ્તાની બન્ને બાજુ (જે ઉપરોક્ત તસવીરમાં જોવા મળી રહ્યું છે) ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર પાર્કિંગ કરી દેવામાં આવતા અહીંથી પસાર થવા માટે બહુ જૂજ રસ્તો જ બાકી રહેતો હોવાથી વારંવાર ટ્રાફિકજામ તેમજ અકસ્માત થવાનું શરૂ થઈ ચૂક્યું છે.

જો ટ્રાફિક પોલીસ દ્વારા આ રસ્તા ઉપર નિયમિત ચેકિંગ કરી ગેરકાયદેસર પાર્કિંગને દૂર કરાવવામાં આવે તો જ્યાં સુધી કામ ચાલી રહ્યું છે ત્યાં સુધી લોકોને `પીડા’માંથી મુક્તિ મળી શકે તેમ છે. જો અહીં વાહન પાર્ક ન થયા હોય તો લોકો સરળતાથી અવર-જવર કરી શકે તેમ છે.

ખાસ વાત એ છે કે આ રસ્તા ઉપર અનેક કોમ્પલેક્સ આવેલા છે જેમનું પોતાનું પાર્કિંગ છે જ પરંતુ ત્યાં વાહન પાર્ક કરવા દેવામાં આવતા ન હોવાનું અથવા તો લોકો ત્યાં વાહન પાર્ક કરવા જવાનું પસંદ કરતા ન હોવાથી વાહન બહાર જ પડ્યા રહે છે. ભલે વાહન એક લાઈનમાં પાર્ક હોય છે પરંતુ તેના પાર્કિંગને કારણે ઘણીખરી જગ્યા તેમાં રોકાઈ જતી હોવાથી લોકોને મુશ્કેલવી વેઠવી પડી રહી છે. અહીં ભાગ્યે જ ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન આવી રહી હોવાથી પાર્કિંગ કરનારા લોકોને કોઈ જ પ્રકારનો ડર રહેતો નથી. અહીંથી સદર પોલીસ ચોકી 100 પગલાં દૂર ચાલીને જઈએ એટલે આવી જાય છે પરંતુ તે ભાગ્યે જ ખુલ્લી હોવાથી ત્યાંથી પણ મદદ મળી ન રહ્યાનું લોકોએ રોષ સાથે જણાવ્યું હતું.

હજુ તો તહેવારોમાં શું હાલત થશે ?
લોકોએ એમ પણ જણાવ્યું હતું કે દિવાળીના પર્વમાં અહીંથી લોકોની અવર-જવરમાં ચારથી પાંચ ગણો વધારો થઈ જતો હોવાને લીધે તે પહેલાં જો સજ્જડ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અહીં માથું ફાડી નાખે તેવી ટ્રાફિક સમસ્યા સર્જાશે. અહીં કાયમી ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે તો પણ ઘણી રાહત મળે તેમ છે અને હરિહર ચોકથી જ્યુબિલી ચોક સુધીના રસ્તા પર વાહન પાર્ક જ ન કરવામાં આવે તો વાહનને પસાર થવા માટે ઘણી જગ્યા મળી શકશે.
