- હેલ્મેટ વગર ત્રણ વખત પકડાય એટલે લાયસન્સ સસ્પેન્ડ તો ટ્રાફિક નિયમનો ત્રણ વખત ઉલાળિયો કરે એટલે નિર્ધારિત સમય માટે લાયસન્સ રદ્દ કરવા ટકોર
- ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દાસ તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિની કુમારે ૨૯ ઑગસ્ટે હાજર રહેવું પડશે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક, પાર્કિંગ, ગેરકાયદેસર દબાણો સહિતની સમસ્યાનો ઉકેલ ક્યારેય આવ્યો જ નથી. આ અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાંચ વર્ષની અંદર પચાસ વખત અલગ-અલગ પ્રકારે આદેશ અપાયો છતાં કોઈ જ નિવેડો ન આવતાં હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે અને હવે અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા તેડું મોકલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાઈકોર્ટે ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ વ્યક્તિ ત્રણ વખત હેલ્મેટ વગર પકડાય તો નિયમ પ્રમાણે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ ચાલક ત્રણ વખત ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ ચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરવું જોઈએ. કોર્ટે ફિઝિકલના બદલે ઈ-ચલણ આપવા પણ પોલીસને સુચન કર્યું હતું. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ હોવાથી પોલીસે અત્યારે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
હાઈકોર્ટે એમ પણ ઉમેર્યું કે અમને હજુ પણ હેલ્મેટ મુદ્દે કોઈ પ્રકારની જાગૃતતા જોવા મળી રહી નથી. દિલ્હી અને દહેરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર જોવા મળતી નથી. આ સાથે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે પણ હાઈકોર્ટે વિગત માંગી હતી. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અને તેને ભરવા માટેનો રોડમેપ સાથેનો રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો હતો. આ મામલાની આગામી સુનાવણી હવે ૬ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.