આજે રાત પડશે અને બીજો સુરજ ઉગશે! 31stની પાર્ટીમાં દોસ્તો સાથે ડાઈન અને ડાન્સ પાર્ટીમાં સામેલ થવા યુવાધન ઉત્સુક
બુધવારે 31 ડીસેમ્બર છે અને 2025ના વર્ષનો છેલ્લો દિવસ છે. આ વર્ષને વિદાય આપવા માટે અને 2026ને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગની નજર આજે રાત્રે જુદી જુદી હોટલોમાં અને કલબ હાઉસ તથા ફાર્મ હાઉસમાં યોજાનારી ડાન્સ વિથ ડાઈન પાર્ટી ઉપર છે અને આજે રાત્રે આવી પાર્ટીઓમાં ધમાલ મચાવવા ઉત્સુક છે.
શહેરમાં જુદા જુદા માર્ગો ઉપર થયેલી લાઈટીંગ અને અન્ય શણગારને લીધે રાત્રે બીજો સુરજ ઉગ્યો હોય તેવો માહોલ દેખાતો હોય છે અને મોડી રાત સુધી યુવા ધન મહાલતુ હોય છે.
સામાન્ય રીતે દર વરસે 31 ડિસેમ્બરે મોટાભાગનો યુવા વર્ગ મિત્રો સાથે બહાર નીકળી પાર્ટી કરતા હોય છે. રાજકોટની જ વાત કરીએ તો અહી રેસકોર્સ રીંગ રોડ, કાલાવડ રોડ અને હવે સ્માર્ટ સિટી તથા નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર ભારે ધમાલ જોવા મળશે.
આજે રાત્રે 12નાં ટકોરા વાગે ત્યારે અનેક લોકોએ આતશબાજી કરવાના કાર્યક્રમો પણ બનાવ્યા છે તો અનેક લોકોએ ડીજેના આયોજનો પણ કર્યા છે. આ બધાની વચ્ચે પોલીસ પણ એલર્ટ છે અને જુદા જુદા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરી દીધા છે.
માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નવા વર્ષની ઉજવણી માટે હજારો યુવાનો દીવ પહોંચી રહ્યા છે. દીવ પાર્ટી લિંવગ પીપલ માટે શ્રેષ્ઠ સ્થળ છે.દીવમાં દર વરસે નાતાલની શાનદાર ઉજવણી થતી હોય છે. દીવના ઘોઘલા બીચ, કિલ્લો, ચર્ચ, આઇએનએસ ખુકરી, ગંગેશ્વર, નાગવા બીચ સહિતના ફરવા લાયક સ્થળો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. નવા વર્ષને આવકારવા માટે હવે કલાકો જ બાકી છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ પહોંચ્યા છે. પ્રવાસીોના ધસારાના પગલે રિસોર્ટ, હોટલો ફૂલ થઇ ગઇ છે.
