કાલે ક્ષત્રિયો કમલમને કરશે ઘેરાવ
મંગળવારે કેસરિયા ઝંડા અને દંડા સાથે ભાજપ કાર્યાલય પહોંચવા રાજ શેખાવતની અપીલ
શનિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજે વિશાલ રેલી યોજીને રૂપાલાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યા બાદ હવે આંદોલનનું નાળચુ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ તરફ ફેરવવામાં આવ્યું છે અને કરણીસેનાનાં અધ્યક્ષ રાજ શેખાવતે તા. ૯ને મંગળવારે કમલમ ખાતે ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. તેમણે ગુજરાતભરના ક્ષત્રિયોને કેસરિયા ઝંડા અને દંડા સાથે કમલમ પહોચવા આહ્વાન કર્યું છે.
સોશિયલ મીડિયા પર રાજ શેખાવતે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, કમલમ ઘેરાવ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગ્યે. નિર્ણાયક લડત માટે તમામ ક્ષત્રિયો અને અમારા સમર્થકો કેસરિયા ઝંડા અને ડંડા સાથે પહોંચો, કમલમ ગાંધીનગર. આ સાથે જ રાજ શેખાવતે એક વીડિયો પણ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો છે, જેમાં પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન વિરુદ્ધ ન્યાય માટે કમલમ ખાતે ક્ષત્રિય સમાજના લોકોને પહોંચવા માટે અપીલ કરી છે.
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપના કમલમ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.