આજે RMCનું જનરલ બોર્ડ : 1 કલાક સુધી આંકડાની માયાજાળ જ રચાશે, ભાજપના કોર્પોરેટરોએ 20 તો કોંગ્રેસના કોર્પોરેટરોએ 12 પ્રશ્ન મુક્યા
મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની કાર્યવાહી થતી હોય છે. આ બોર્ડમાં એક કલાક સુધી પ્રજાને લગતાં, પ્રજાને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે પરંતુ સંભવતઃ છેલ્લા બે બોર્ડ મળવાના બાકી છે ત્યારે અત્યાર સુધીમાં પ્રજાને કનડતા એક પણ પ્રશ્નની ચર્ચા શાસકોએ થવા દીધી નથી. ખાસ કરીને ભાજપના 66 નગરસેવકો ચૂંટાયેલા હોવાથી તેઓ ઈચ્છે તે પ્રશ્ન ઉપર જ એક કલાક સુધી ચર્ચા ચાલતી હોવાથી બાકીના પ્રશ્નોનો વારો જ આવતો નથી. આજે પણ એવું જ થવાનું છે અને એક કલાક સુધી માત્રને માત્ર આંકડાની માયાજાળ રચી બોર્ડની કાર્યવાહી પૂર્ણ જાહેર કરી દેવાશે.
આજે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીમાં પ્રથમ ક્રમે ભાજપના નગરસેવિકા વર્ષાબેન રાણપરાનો પ્રશ્ન છે. તેમના દ્વારા મહાપાલિકાને બે વર્ષમાં `સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત કેટલી ગ્રાન્ટ મળી અને તે ગ્રાન્ટમાંથી કેટલા કામ કરવામાં આવ્યા તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્નનો મ્યુનિ.કમિશનર દ્વારા આંકડાકીય જવાબ આપવામાં આવશે જે એક કલાક સુધી ચાલશે અથવા તો પ્રશ્ન વહેલો પૂરો થઈ જશે તો પણ ભાજપના જ કોઈ નગરસેવક દ્વારા વચ્ચેથી ઉભા થઈને પેટાપ્રશ્ન પૂછી લેવાશે જે પણ ચવાયેલો જ હોઈ શકે છે.
પ્રશ્નોત્તરીમાં કુલ 32 પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે તેમાંથી અનેક મહત્ત્વો મહત્ત્વના હોય જો તે ચર્ચામાં આવે તો બઘડાટી બોલી શકે તેમ હોવાથી `શાણા’ શાસકો આ પ્રશ્નો ચર્ચામાં ન આવે તે માટે એડીચોટીનું જોર લગાવી દેશે. આ બોર્ડમાં ભાજપના 13 કોર્પોરેટરોએ 20 તો કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ 12 પ્રશ્ન મુક્યા છે. વિપક્ષ હોવાને નાતે કોંગ્રેસના પ્રશ્નો શાસકોને હાડોહાડ ખૂંચી જાય તેવા હોવાથી જનરલ બોર્ડની કાર્યવાહીમાં તે ચર્ચામાં ન જ આવે તેવો પ્રયાસ ભાજપનો અત્યાર સુધી રહ્યો છે અને આજે પણ યથાવત જ રહેશે.
