રાજકોટમાં ‘ઈન્દોરવાળી’ રોકવા મનપાની આરોગ્ય શાખાએ પાણીના 555 સેમ્પલ લીધાં! એક સપ્તાહમાં ટાઈફોઈડનો એક જ કેસ મળ્યાનું જાહેર
ઈન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાને કારણે ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ગાંધીનગરમાં જ આવી જ કંઈક સ્થિતિ નિર્માણ પામી ગઈ છે ત્યારે રાજકોટમાં આવું ન બને તે માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારમાંથી પાણીના 555 નમૂના લઈ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :જનરલ કેટેગરી સીટ પર SC-ST-OBCનો પણ હક : સરકારી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલી વિગત પ્રમાણે શહેરમાં તા.29-12-2025થી તા.4-1-2025 સુધીમાં ટાઈફોઈડનો એક જ કેસ મળ્યો છે. જ્યારે કમળો તાવના બે, શરદી-ઉધરસના 1131, સામાન્ય તાવના 793 અને ઝાડા-ઊલટીના 212 દર્દી મળ્યા છે. જેની સામે મચ્છરજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયાનો એક પણ દર્દી સાત દિવસમાં ન મળ્યાનું જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા દર સપ્તાહે રોગચાળાના જે આંકડા જાહેર કરવામાં આવે છે તે વાસ્તવિક્તાથી ઘણા જ વિપરિત હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા પોતાના હસ્તકના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ગણીગાંઠી હોસ્પિટલો પાસેથી જ રોગચાળાના આંકડા એકઠા કરાઈ રહ્યા છે ત્યારે જો ખાનગી હોસ્પિટલો તેમજ દવાખાનાઓ પાસેથી રોગચાળાના આંકડા મેળવવામાં આવે તો આંક ઘણો જ ચિંતાજનક હોઈ શકે છે.
