રાજકોટ પ્રત્યેનો અણગમો દૂર કરવાનો સમય : રાજ્યના નવા પ્રધાનમંડળમાં રાજકોટનું વજન ઉભુ કરી શકે તેવા નેતાનો સમાવેશ જરૂરી
શુક્રવારે રાજ્યના મંત્રીમંડળનું નવસર્જન થવાનું છે અને તેમાં કોણ રીપીટ થશે અને કોનો સમાવેશ થશે તેની ચર્ચા રાજકીય ગલીયારામાં થઇ રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઓરમાયા વર્તનનો સામનો કરી રહેલા રાજકોટને મનાવી લેવાની આ તક છે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. ભલે દર વખતે એવું કહેવામાં આવે કે મંત્રી મંડળની રચનામાં પ્રાદેશિક સંતુલન જાળવવામાં આવે છે પરંતુ વર્તમાન સરકારમાં રાજકોટનું મહત્વ ઓછું થઇ ગયાનું રાજકીય લોકો પણ અનુભવી રહ્યા છે.
વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટનો પડ્યો બોલ ઝીલાતો હતો પણ આ વાત કેટલાંક ઉચ્ચ નેતાઓને ગમતી ન હતી અને તેથી ભારોભાર નારાજગી હતી. આ પછીના તમામ રાજકીય ઘટનાક્રમથી બધા માહિતગાર છે..વિજયભાઈ અને આખા મંત્રીમંડળના રાજીનામા લેવાઈ ગયા અને ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.
આ પછી એક એવી છાપ ઉભી થઇ કે નવી સરકારના કેટલાંક લોકો અને સંગઠનના મોવડીઓને રાજકોટ પ્રત્યે સુગ હતી અને તેની અસર અહીના વિકાસકાર્યો ઉપર પણ પડી હતી. રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટ આજે આટલા વરસોથી હજુ પણ અધુરો છે અને વારંવારની ફરિયાદો પછી પણ કોઈએ રસ લીધો નથી. રાજ્યના અન્ય શહેરોમાં જે ઝડપે અને જે પ્રકારનો વિકાસ થાય છે તેવો રાજકોટમાં થતો નથી. અહી જે અધિકારીઓ આવે છે તે સજારૂપે જ આવે છે તેવી છાપ પણ ઉભી થઇ ગઈ છે અને જે આવે છે તે અહીંથી જવાની તક જ શોધતા હોય છે.
રાજકોટને ભુપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં એક સ્થાન મળ્યુ હતું . રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબીનેટ મંત્રી બનાવાયા હતા પરંતુ તેઓ રાજકોટ માટે કાંઇ કરી શક્યા નથી. રાઘવજીભાઈ રાજકોટના પ્રભારી મંત્રી છે પણ તેઓ ધારાસભ્ય જામનગર જિલ્લાના છે અને કુંવરજીભાઈ રહે છે રાજકોટમાં પણ તેમની કર્મભૂમિ જસદણ તાલુકો રહી છે તેથી તેઓ પણ રાજકોટના વિકાસથી દુર છે..બીજા ધારાસભ્યોએ પ્રજાલક્ષી કામ કર્યા છે પણ ઉડીને આંખે વળગે તેવું એક પણ વિકાસ કાર્ય નથી કર્યું એ હકીકત છે. રાજ્ય સરકાર તરફથી પણ કોઈ મોટો પ્રોજેક્ટ રાજકોટને મળ્યો નથી. નેતાઓ દ્વારા જે ભાષણો કરવામાં આવે છે ત્યારે એક ને એક એરપોર્ટ અને એઈમ્સની વાતો કરવામાં આવે છે પણ એ વાત જૂની થઇ ગઈ છે અને આ બંને પ્રોજેક્ટ કઈ રીતે ચાલે છે તે બધા જાણે છે.
આમ આ સંજોગોમાં રાજકોટ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે તેવું ઘણા લોકો અનુભવી રહ્યા છે. હવે જયારે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે આ ઉણપ દુર કરવાની તક છે. સરકારમાં અને સંગઠનમાં રાજકોટનું વજન ઉભું કરી શકે તેવા નેતાને આગળ કરવાની માંગ રાજકોટવાસીઓ કરી રહ્યા છે.
