લાંચનો જૂનો ‘હિસાબ’ લેવા ગયેલા રાજકોટની માર્ગ-મકાન કચેરીના યાંત્રિક વિભાગના બે ઈજનેર સહિત ત્રણ પકડાયા
રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ નવા વર્ષનો પ્રથમ `શિકાર’ કરીને બે સરકારી કર્મચારી તેમજ એક તેના વચેટિયાને લાંચ લેતા પકડી પાડ્યા હતા. આ ત્રણેય નક્કી થયેલી લાંચનો જૂનો હિસાબ કરવા માટે ગયા હતા બરાબર ત્યારે જ ACBએ છટકું ગોઠવીને દબોચી લીધા હતા.
આ અંગે ACBના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે પારેવડી ચોક પુલનીચે બજરંગ ટી-સ્ટોલ પાસેથી 50 હજારની લાંચ લેતા માર્ગ અને મકાન કચેરીના યાંત્રિક પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર (વર્ગ-1) પિયુષ બાબુભાઈ બાંભરોલિયા, નાયબ કાર્યપાલક ઈજનેર (વર્ગ-2) નિરવ પ્રવિણચંદ્ર રાઠોડ તેમજ વચેટિયા સુધીર નવિનચંદ્ર બાવીશીને રંગે હાથ પકડ્યા હતા.

ફરિયાદી સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓમાં ભાગીદારીથી યાંત્રિક રાઈડસનોધંધો કરતા હોય તેમણે અગાઉ ભાગીદારીમાં કાલાવડના રણુજા ખાતે આયોજિત લોકેમેળામાં યાંત્રિક ચકડોળ (રાઈડસ)નો ધંધો કર્યો હતો. એ સમયે પિયુષ અને નીયર હોદ્દાની રૂએ ચેકિંગ કરવા માટે ગયા ત્યારે નિરવે ફરિયાદીને રાઈડસનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાના બદલામાં એક લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે લાંચ પેટે 50,000 આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેમણે ACBનો સંપર્ક કરતા ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો :ફિલ્મ પ્રમોશન માટે કલાકારો કાયદાનું ભાન ભૂલ્યા! મિસરી’ની સ્ટારકાસ્ટે બાઈક પર જોખમી સ્ટંટ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
ફરિયાદીએ પિયુષ બાંભરોલિયા સાથે લાંચ અંગેની વાતચીક કરતા પિયુષે આ પૈસા વચેટિયા સુધીર નવિનચંદ્ર બાવીશીને આપવા માટેનું કહ્યું હતું. આ પછી ફરિયાદીએ સુધીર બાવીશીનો સંપર્ક કરતા તેણે ફરિયાદીને પારેવડી ચોક પુલ નીચે બોલાવ્યા હતા. જો કે ACB અગાઉથી જ અહીં તૈનાત હોય તેણે સુધીર બાવીશીને પકડી લીધા બાદ ઈજનેર પિયુષ અને નિરવની પણ ધરપકડકરી હતી.
ચાર દિ’ પહેલાં જેતપુરમાં તૂટી ગયેલી રાઈડસનું ઈન્સ્પેક્શન પણ બન્ને ઈજનેરે જ કર્યું’તું
ACBના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાર દિવસ પહેલાં જેતપુરમાં આયોજિત દિપાવલી ફનફેર મેળામાં બે્રક ડાન્સ નામની એક રાઈડ તૂટી ગઈ હતી જેમાં દંપતિ ઘવાયું હતું. આ રાઈડ ચાલું હતી અને તૂટી પડતાં ભાગદોડ પણ થઈ પડી હતી. તપાસ કરતા આ રાઈડને પણ ફિટનેસ સર્ટિફિકેટ ઈજનેર પિયુષ બાબુભાઈ બાંભરોલિયા અને નીરવ પ્રવિણચંદ્ર રાઠોડે જ આપ્યાનું સામે આવ્યું છે ત્યારે તેના બદલામાં પણ લાંચ લેવાઈ છે કે કેમ તે દિશામાં પણ ACBએ તપાસ આરંભી છે.
વચેટિયો લાંચ લઈ રહ્યો’તો ને બન્ને ઈજનેર ઓફિસમાં બેઠા હતા !
ACBએ જ્યારે પારેવડી ચોક પુલ નીચેથી પિયુષ અને નિરવના વચેટિયા એવા સુધીર બાવીશીને 50,000ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા બાદ જેના વતી તે લાંચ લેવા આવ્યો હતો તેને પકડવા તજવીજ શરૂ કરાઈ હતી. ACB જ્યારે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પહોંચી ત્યારે પિયુષ અને નિરવ પોતપોતાની ઓફિસમાં જ બેઠા હોય તેમને ત્યાંથી દબોચી લેવામાં આવી હતી.
