આ વખતનો શિયાળો વધુ ધ્રુજાવશે : લા નીનાની અસરથી આ રાજ્યોમાં પડશે હાડ થીજાવતી ઠંડી, જાણો હવામાન નિષ્ણાંતોની આગાહી
આ વખતે દેશમાં ચોમાસુ ટનાટન રહ્યા બાદ હવે શિયાળાની ઋતુ નજીક આવી રહી છે અને હવામાન નિષ્ણાંતોનું માનીએ તો આ વખતે શિયાળાની ઋતુ વધુ ધ્રુજાવશે. ક્લાઈમેટ ચેન્જની અસર દરેક ઋતુ ઉપર જોવા મળે છે.એવરેજ તાપમાન વધી રહ્યું છે તો વરસાદનો પ્રકોપ પણ વધી રહ્યો છે. હવે શિયાળો પણ ભુક્કા કાઢશે તેવી આગાહી થઇ છે.
હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વર્ષના અંતમાં પ્રશાંત મહાસાગરમાં લા નીના સક્રિય થવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવામાન પર અસર પડશે. લા નીનાની અસરને કારણે, ભારતમાં શિયાળો સામાન્ય કરતાં વધુ અસર કરી શકે છે, ખાસ કરીને ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે. ઉત્તર ભારત અને હિમાલય ક્ષેત્રમાં તીવ્ર શીત લહેર, તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાનો સમયગાળો રહેશે. તેથી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. હિમવર્ષા માટે અગાઉથી તૈયારી કરવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીર પ્રદેશમાં થતી હિમ વર્ષાની અસર ગુજરાત સુધી અનુભવાય છે અને અહી પણ કાતિલ ઠંડીનો આ વખતે અનુભવ થશે.
ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 વચ્ચે લા-નીના એક્ટિવ થવાની 71% સંભાવના છે. જોકે, ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 વચ્ચે આ સંભાવના ઘટીને 54% થઈ જશે, પરંતુ લા-નીના વોચ અસરકારક રહેશે.
આ વખતે શિયાળામાં, ભારતમાં પણ લા નીનાને કારણે વધુ વરસાદ પડી શકે છે. લા નીનાની અસરને કારણે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સારો વરસાદ પડે છે. ઉત્તર યુરોપમાં શિયાળો ઓછો અનુભવાય છે, પરંતુ દક્ષિણ અને પશ્ચિમ યુરોપમાં વધુ શિયાળો અનુભવાઈ શકે છે. લા નીનાને કારણે થતો વરસાદ ખેડૂતોના ખરીફ પાક માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ ડાંગરના પાકને નુકસાન થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગએ ઓગસ્ટ 2025માં એક બુલેટિન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે લા નીના સક્રિય થવાની 50 ટકા શક્યતા છે અને લા નીના સક્રિય થવાથી ભારતમાં વધુ ઠંડી પડશે.
