રાજકોટ -જેતપુર નેશનલ હાઇવે પર હવે ખાડા નહીં પડે ! કલેકટર ઓમપ્રકાશનું મહત્વપૂર્ણ નિવેદન
રાજકોટ -જેતપુર નેશનલ હાઇવેને સિક્સલેનમાં રૂપાંતરણ કરવા માટે લાંબા સમયથી મંથરગતિએ ચાલતી કામગીરીને કારણે રાજકોટ-જૂનાગઢ હાઇવે ઉપર મુસાફરી કરવાનું લોકો ટાળી રહ્યા છે. ખાસ કરીને રાજકોટથી ગોંડલ વચ્ચે ઠેકઠેકાણે પુલના કામને લઈ ઢંગધડા વગરના સાંકડા ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે અને આ ડાયવર્ઝન પણ વરસાદને કારણે તૂટી ગયા છે ત્યારે આગામી અઠવાડિયામાં આ તમામ ગાબડાં પુરાઈ જશે તેવું જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ ઝડપથી પૂર્વવત કરવાના કામો કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, જેતપુરથી ચોરડી સુધીના રસ્તા પર ડામર પેચ કરીને ખાડા બુરવામાં આવ્યા છે, તેમજ આ હાઇવે પર હજુ રસ્તા મરામતની કામગીરી શરૂ છે. ઉપરાંત, ગોંડલથી ભરૂડી ટોલનાકા સુધીનો 200 મીટર જેટલો રસ્તો સમથળ કરવામાં આવ્યો છે. વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે ઉપર 57 સ્થળોએ ખાડા હોવાનું સામે આવતા નેશનલ હાઇવે ઓથોરિટીને તમામ ખાડા સત્વરે પુરી રસ્તાને વાહન ચાલવા યોગ્ય કરવા સૂચના આપતા હાલમાં ડીબીએમ પદ્ધતિથી ખાડા બુરવાની કામગીરી ચાલુ હોવાનું અને હવે વરસાદમાં પણ આ ખાડાઓ નહીં તૂટે તેવું જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ -જેતપુર હાઈવેનું 42 ટકા કામ પૂર્ણ થયું છે અને હજુ પણ 58 ટકા કામગીરી બાકી છે. જો કે,ચોમાસા બાદ કામગીરીમાં ઝડપ આવતા લોકોને પડી રહેલી મુશ્કેલી દૂર થવાનો આશાવાદ તેમને વ્યક્ત કર્યો હતો. હાલમાં ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના માર્ગને પણ ડામર પેચવર્ક કરીને માર્ગ સુગમ બનવવામાં આવી રહ્યો હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

