RMCમાં થશે અધિકારીઓનો ‘ઢગલો’ : હવે કાયમી ડેપ્યુટી કમિશનરની સ્ટ્રેન્થ 6 કરવા મહાપાલિકાની તૈયારી
રાજકોટ TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા તંત્રની આબરૂને જે પ્રમાણે ધક્કો લાગ્યો તેને જોતા તંત્રમાં અધિકારી તરીકે કામ કરતા સૌ કોઈ ખચકાટ અનુભવી રહ્યા હતા. આ ગોઝારી દૂર્ઘટનાને સવા વર્ષ વીતી ગયા બાદ તંત્રમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વર્ગ-1ના અધિકારીઓનો ‘ઢગલો’ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં જ મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઉપરાંત કાયમી સિટી ઈજનેર સહિતની ભરતી કરવામાં આવશે.
ગત જનરલ બોર્ડમાં ત્રણેય ઝોનલ ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂકને મંજૂરી અપાઈ ગયા બાદ ત્રણેય અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે. હવે ટૂંક સમયમાં વધુ બે નાયબ મ્યુનિસિપલ કમિશનરની ભરતી કરવામાં આવશે. આ ભરતી થયા બાદ નાયબ મ્યુ. કમિશનરની સંખ્યા ચાર થશે. આ પછી ડે.મ્યુ.કમિશનર તરીકે એક IAS અને એક GAS કક્ષાના અધિકારી સરકારમાંથી મુકાશે એટલે આ સંખ્યા વધીને છ થઈ જશે.
આ ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનરની સ્ટ્રેન્થ પણ આઠ કરવાની તૈયારી છે. જ્યારે બે સિટી ઈજનેર (સ્પેશ્યલ), બે એડિશનલ સિટી ઈજનેર, એક એડિશનલ સિટી ઈજનેર (મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ) અને એક કાર્યપાલક ઈજનેર મળી કુલ છ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલ મહાપાલિકા પાસે કાયમી ડે.મ્યુ. કમિશનર તરીકે એકમાત્ર ચેતન નંદાણી છે. જ્યારે હર્ષદ પટેલ તેમજ મહેશ જાની ઈન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.
ડે.મ્યુ.કમિશનર તરીકે ભરતી થવા માટે ઈનહાઉસ ભરતી કરવામાં આવનાર હોય તેમાં મહાપાલિકાના જ અધિકારીઓ હર્ષદ પટેલ, સમીર ધડુક, રાજીવ ગામેતી, મનિષ વોરા, કાશ્મીરાબેન વાઢેર, વિપુલ ઘોણિયા અને એચ. સી.રૂપારેલિઆએ અરજી કરી છે. આવનારા જનરલ બોર્ડ પૂર્વ આ ભરતી માટે દરખાસ્ત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.