કાલાવડમાં રૂ.5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના દંપતીની પોલીસે કરી ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક સોની વેપારીની દુકાનમાંથી રૂ 5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કાલાવડ ટાઉન પોલીસે આ મામલે રાજકોટના એક દંપતીને ઝડપી પાડ્યું છે, જ્યારે મુખ્ય આરોપી મહિલા હજુ ફરાર છે.

ગયા અઠવાડિયે, કાલાવડના મુખ્ય બજારમાં આવેલ ‘મંગલમ જ્વેલર્સ’ના માલિક જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડીયાની દુકાનમાં એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. તેણે વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પર રાખેલો રૂ.5,93,854ની કિંમતના સોનાના દાગીના ભરેલો એક પ્લાસ્ટિકનો ડબ્બો ચોરી લીધો હતો.

આ ઘટના બાદ, પોલીસ ઈન્સ્પેક્ટર એન. વી. આંબલીયા અને તેમની ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં ચોરી કરનાર મહિલાની ઓળખ રાજકોટની કિરણબેન પોપટભાઈ સોલંકી તરીકે થઈ હતી, જે હાલ ફરાર છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કિરણબેનના પુત્ર કિશન નટુભાઈ સોલંકી અને તેની પત્ની પૂજાબેન કિશનભાઈ સોલંકીને ઝડપી પાડયા છે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસ કમિશનર કચેરી નજીકથી જ છરીની અણીએ થયું’તું અપહરણ : ફઈ-ભત્રીજીના લાપત્તા થવાના બનાવમાં નવો વળાંક
પોલીસે આરોપી દંપતી પાસેથી 3 તોલા સોનું, રૂ 1.40 લાખની રોકડ, રૂ 10,000નો મોબાઈલ ફોન અને એક રીક્ષા સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ચોરી કરતી વખતે મુખ્ય આરોપી_ કિરણબેન દુકાનની અંદર હતી, જ્યારે તેના પુત્ર અને પુત્રવધૂ બહાર રીક્ષામાં રાહ જોઈ રહ્યા હતા. ચોરી બાદ ત્રણેય રીક્ષામાં નાસી ગયા. હતા. પોલીસે પકડાયેલા દંપતીના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાવ્યા છે. મુખ્ય આરોપી કિરણબેનને ઝડપી પાડવા માટે પોલીસ સઘન શોધખોળ ચલાવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
