જીવનું શિવ સાથેનું મિલન : આજે હર..હર..મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીની ઉજવણી, શિવ ભકતોમાં ઉત્સાહ
- સોરઠમાં ભોળાનાથનાં સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના શરણમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયાં
- ચાર પ્રહરની પૂજા સાથે શિવ મંદિરોમાં રુદ્રી,અભિષેક,બીલીપત્ર પૂજા સાથે શિવ મહિમા સ્ત્રોત પાઠ સહિતનાં ભક્તિમય કાર્યક્રમ, ભાંગ પ્રસાદ વિતરણ
આજે જીવનું શિવ સાથે મિલન એટલે મહાશિવરાત્રીનું પર્વ. ચાર પ્રહરની પૂજા સાથે શિવની ભક્તિમાં ભાવિકો લીન થયા છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગરવા ગિરનારની ગોદમાં ભોળાનાથના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વની ભક્તિમય માહોલ સાથે દિવ્ય ઉજવણી થઈ રહી છે. ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ સોરઠની ધરા પર સર્જાયો છે. શિવરાત્રી ના મેળામાં હજારોની સંખ્યામાં ભાવિકો બહારથી આવ્યા છે. જુનાગઢ ઉપરાંત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના શરણે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા છે.
આજે અનેક શુભ યોગમાં મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે વહેલી સવારથી શિવ મંદિરોમાં “હર હર મહાદેવ”નો જયઘોષ ગુંજયો છે. મંદિરોને વિવિધ શૃંગાર સાથે વહેલી સવારથી ભક્તિમય કાર્યક્રમ સાથે મહાદેવજીની પ્રિય ભાંગની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે.
વરસ દરમ્યાન 12 શિવરાત્રી આવે છે. તેમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચાર પ્રહરની શિવપૂજાનું વિશેષ મહત્વ છે, આ વર્ષે પંચક સાથે શિવરાત્રી હોવાને કારણે મહાપર્વની ઉજવણી થશે, બીજા પ્રહર ની પૂજા આજે રાત્રે 9.47 મિનિટથી,ત્રીજા પ્રહરની પૂજા રાતે 12.50 મિનીટથી, ચોથા પ્રહરની પૂજા વહેલી સવારે 3.57 મિનિટથી શરૂ થશે.
આજે મહાશિવરાત્રીએ રુદ્રી,અભિષેક,બીલીપત્ર પૂજા સાથે શિવ મહિમા સ્ત્રોત પાઠ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.આજે ભાવિકો ઉપવાસ રાખે છે.રાજકોટમાં શિવરાત્રી નિમિતે શક્કરિયાનું પુષ્કળ વેચાણ થયું હતું.શિરો અને ફરાળી વાનગી સાથે ઉપવાસ કરે છે.
રાજકોટમાં આજે વિશાળ શિવ શોભાયાત્રામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન
દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરાત્રીના પર્વ પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે રામનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે તેમજ ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ રાજમાર્ગો પરથી આ શોભાયાત્રા નીકળશે જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની આબેહૂબ ઝાંખી જોવા મળશે. આ શોભાયાત્રાનું સંત કબીર રોડ પર આવેલ માણીતેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન થશે.