વેપારીની કરોડોની જમીન પડાવવા ત્રિપુટીએ વોચમેનને ઓરડીમાં ગોંધી રાખ્યો
- મેંગો માર્કેટ પાછળનો બનાવ : વેપારીના ભાગીદારોને પણ જમીન ખાલી કરવા ધમકીઓ આપી
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં મેંગો માર્કેટ પાછળ આવેલી ચાંદીના વેપારીની કરોડોની જમીન પર કબ્જો કરવા ભુ-માફિયાઓએ વેપારી અને તેમના ભાગીદારોને ધમકીઓ આપી હતી. ઉપરાંત ગઇકાલ મોડીરાતે તેમની જમીન પર ઘસી જઈ વોચમેનને ઓરડીમાં પુરી સીસીટીવી કેમેરા ઉતારી લૂંટી લીધા હતાં. જેથી બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટી શેરી નં.1 માં રહેતાં મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયા (ઉ.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મયુર રૂપરેલીયા અને અન્ય બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ પેલેસ રોડ પર ચાંદીની પેઢી ધરાવે છે. બે વર્ષ પહેલા તેમના ભાગીદારો સંજયભાઈ ઘાટલીયા, રસીકભાઈ ભલગામા, દિનેશભાઈ ચૌહાણ સહિતનાઓ સાથે મેંગો માર્કેટ પાછળ આવેલ ખોડલ એવન્યુ નામની જમીન ખરીદી હતી.અને જમીન બિન ખેતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. બાદમાં જમીન વેચનાર દિલીપભાઇ મકવાણાએ પૈસા લઇ જમીન વેચવાની ના પાડી દીધી હતી. અને આ મામલાનો કોર્ટમાં કેસ ચાલતો હતો. દરમ્યાન વેપારી તેમજ તેમના ભાગીદારો આ જમીન પર વારાફરતી ધ્યાન રાખતા અને એક વોચમેન પણ રાખવામાં આવ્યો હતો.ગત તા.27-7ના આરોપી મયુર અને તેના બે સાગરીતો જમીન પર ઘસી આવ્યા હતા.અને વોચમેનને ઓરડીમાં પૂરી ગોંધી રાખ્યો હતો. અને અહી લગાવેલા સીસીટીવી કેમેરા પણ કાઢી લૂંટી લીધા હતા. તેમજ વેપારીને ફોન કરી જમીન ખાલી કરી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.