મુખ્યમંત્રી એક મહિના માટે અમેરિકા જઈ રહ્યાની વાત ખોટી: અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી
ઈન્ચાર્જ મુખ્યમંત્રી તરીકે નામ વહેતા થઈ ગયા બાદ આખરે સત્ય આવ્યું સામે
આવી હિન કક્ષાની હરકત કરનાર સામે આકરી કાર્યવાહી કરવા ગૃહમંત્રીનો આદેશ: મુખ્યમંત્રી ગુજરાતમાં જ રહેશે
ભૂપેન્દ્રભાઈ પુત્રની સારવાર કરાવવા અમેરિકા જઈ રહ્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં એક સમયે રાજકારણમાં આવી ગયો’તો જબરદસ્ત `કરંટ’
સોશ્યલ મીડિયાના અતિરેકને કારણે અફવાઓનું બજાર એટલી હદે વકરી ગયું છે કે હવે સત્ય શું, અર્ધસત્ય શું અને અસત્ય શું તેનો ભેદ ઉકેલવો કપરો બની ગયો છે. આવી જ એક અફવા છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં ચાલી રહી હતી જેમાં એવું જણાવાઈ રહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક મહિના માટે પુત્ર અનુજની સારવાર માટે અમેરિકા જઈ રહ્યા છે અને આ માટે તેમણે વડાપ્રધાન કાર્યાલય પાસે રજા પણ માંગી છે ! આ વાત વાયુવેગે પ્રસરી જતાં રાજકારણમાં નવો વળાંક આવી ગયો હતો અને ઈન્ચાર્જ મુખ્યમંત્રી તરીકે નામ પણ વહેતા થઈ ગયા હતા. હવે આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ બિલકુલ અફવા છે અને મુખ્યમંત્રી ગુજરાતમાં જ રહેવાના છે.
હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મુખ્યમંત્રી અમેરિકા જઈ રહ્યાની વાત માત્ર અફવા જ છે. તેઓ રાત-દિવસ એક કરીને ગુજરાત સાથે ઉભા રહેશે. બેજવાબદાર લોકો દ્વારા આ પ્રકારની શરમજનક હરકત કરવામાં આવી છે ત્યારે તેમને શરમ આવવી જોઈએ. કોઈએ પણ આટલી હદ સુધી ન જવું જોઈએ અને કોઈના પરિવાર વિશે ખોટી વાતો ફેલાવવી એ બિલકુલ વ્યાજબી નથી.
આ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ટૂંક સમયમાં અફવા ફેલાવનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી એક મહિના માટે અમેરિકા જઈ રહ્યાની વાત સામે આવતાં જ તેમના સ્થાને ઈન્ચાર્જ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને નામો વહેતા થઈ જવા પામ્યા હતા.
શું હતો આખોયે મામલો, વાત ક્યાંથી શરૂ થઈ ?
આ સમગ્ર મામલો એક ટવીટથી શરૂ થવા પામ્યો હતો. પરેશ છાંયા નામની એક વ્યક્તિ દ્વારા ટવીટર પર ટવીટ કરવામાં આવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજની સારવાર માટે એક મહિના સુધી અમેરિકા જશે. આ માટે તેમણે વડાપ્રધાન કાર્યાલય પાસે મંજૂરી પણ માંગી છે. અનુજ પટેલને ભારે બ્રેઈન સ્ટ્રોક આવી ચૂક્યો છે અને મુંબઈમાં સારવાર પણ કરાવી ચૂક્યા છે. આ પછી ઈન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર દ્વારા આ સમાચાર એકદમ તથ્યવિહિન હોવાનું ટવીટ કરતાં જણાવ્યું હતું કે મોટો સવાલ જ એ છે કે દર વખતે શા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તે પણ ત્યારે કે જ્યારે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે હોય. મને સૌથી વધુ એ વાત વ્યથિત કરે છે કે તેમાં તેમના પુત્રના સ્વાસ્થ્ય કારણોને આધાર બનાવવામાં આવી રહ્યો છે. આ વાતનો મતલબ સાફ છે કે તેમના વિરોધીઓ પાસે તેમની (ભૂપેન્દ્રભાઈ પટેલ) કાર્યપ્રણાલી વિશે બોલવા માટે કશું છે જ નહીં એટલા માટે આ પ્રકારે અફવા ફેલાવાઈ રહી છે. આ ટવીટના આધારે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી અમેરિકા જઈ રહ્યાની વાત ખોટી હોવાનું નિવેદન આપ્યું હતું.