દિવાળીની મીઠાશ ચોકલેટમાં: આ વર્ષે રોસ્ટેડ અને ડેટ આલમન્ડ ચોકલેટની માંગ,બાળકોમાં ફટાકડા શેપની ચોકલેટ ફેવરિટ
દિવાળી એટલે ઉજાસ, ઉમંગ અને મીઠાશનો તહેવાર. દરેક ઘરમાં દિવાળીના અવસરે મીઠાઈઓની સુગંધ ફેલાય છે, પરંતુ હવે આ મીઠાશમાં નવો સ્વાદ ઉમેરાયો છે ચોકલેટનો..! રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીના ગિફ્ટ ટ્રેન્ડમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પરંપરાગત મીઠાઈઓની સાથે હવે ચોકલેટ હેમ્પર આપવાનું ફેશન વધી રહ્યું છે.ચોકલેટને હવે માત્ર બાળકોની પસંદગી ગણાતી નથી, પરંતુ એ દરેક વયના લોકો માટે પ્રેમ અને શુભેચ્છાનું મીઠું પ્રતિક બની ગઈ છે. હવે લોકો દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ હોમમેડ ચોકલેટના ખાસ હેમ્પર દ્વારા પાઠવે છે.

રાજકોટની જાણીતી ચોકલેટ મેકર કોમલ વસા જણાવે છે કે, “હવે લોકો સિમ્પલ ચોકલેટથી સંતોષ માનતા નથી. ડાર્ક, રોસ્ટેડ આલમન્ડ, ડેટ ચોકલેટ, ફ્રૂટ એન્ડ નટ, અથવા હેલ્ધી ડ્રાયફ્રુટ મિક્સ જેવી નવી-નવી ફ્લેવરવાળી ચોકલેટ માટે ખાસ ઓર્ડર આવે છે. બાળકો હવે પરંપરાગત સ્વીટ્સ કરતા ચોકલેટ વધુ પસંદ કરે છે, કારણ કે તે ટેસ્ટી સાથે હેલ્ધી પણ હોય છે.”

આ વર્ષે રાજકોટમાં ખાસ કરીને રોસ્ટેડ આલમન્ડ અને ડેટ ચોકલેટની માંગ સૌથી વધુ છે. આ ચોકલેટ 600થી 1000 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં ઉપલબ્ધ છે, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું સંમિશ્રણ આપે છે. દિવાળીના તહેવાર માટે હવે ચોકલેટ સાદા બોક્સમાં નહીં પરંતુ ડિઝાઇનર પેકેજિંગ અને થીમ આધારિત હેમ્પરમાં આપવામાં આવે છે જેમ કે ફૂલ, લાઈટ, કે દિયા થીમવાળા બોક્સ અથવા કસ્ટમાઈઝ્ડ હેમ્પર જેમાં ચોકલેટ સાથે કૅન્ડલ, ડ્રાયફ્રુટ અને નાનાં શુભ સંદેશાવાળા કાર્ડ પણ સામેલ હોય છે.
આ પણ વાંચો :લાગે વાગે લોહીની ધાર…રાજકોટમાં ટ્રાફિક પોલીસને આવું બધું નહીં દેખાતું હોય?

કોમલ વસા કહે છે કે, “રક્ષાબંધનથી લઈને વેલેન્ટાઈન ડે સુધી ચોકલેટની મીઠાશ સતત પ્રસરે છે. લોકો હવે એકબીજાને ખુશી આપવા માટે ચોકલેટનો સહારો લે છે, કારણ કે એ દરેક પ્રસંગ માટે યોગ્ય છે.” દિવાળીના આ પર્વે રાજકોટમાં ચોકલેટની સુગંધ અને ડેકોરેટિવ હેમ્પરનો ક્રેઝ વધ્યો છે. પરંપરાગત મીઠાઈને બદલે ચોકલેટ હવે મોડર્ન ગિફ્ટિંગનું નવું મીઠું પ્રતિક બની ગઈ છે.
