રાજ્યને ૧૪ વર્ષ બાદ ૯ મહાનગરપાલિકા મળી
કેબિનેટની મંજુરી : સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ, નવસારી, વાપી, આણંદ, નડિયાદ અને મહેસાણા એમ ૯ શહેરોમાં મહાનગરપાલિકા કાર્યરત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ૧૪ વર્ષ પછી રાજ્યમાં નવી મહાનગરપાલિકા મળી છે.
સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી અને આજે કેબિનેટમાં તેને મંજુરી આપવામાં આવી હતી.

આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે.
‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૦માં રચના કરવામાં આવેલી છે.
ત્યારબાદ લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આથી હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે.
ક્યા ક્યા ગામો ભેળવાયા
-ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.
-મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.
-સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે.
-પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.