હજુ થોડા દિવસ પહેલા જ દ્વારકાના સુદામા બ્રીજમાં ગાબડા પડી જવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે આજે ફરીએક વાર રાજ્યમાં બ્રીજની કામગીરીને લઈને વિગતો સામે આવી સુરતના મેટ્રો બ્રિજના બે ફાડિયા થયા છે. મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ ‘ઝૂલતો બ્રિજ’ બન્યો છે જેના કારણે સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ બ્રોજનો કોન્ટ્રાક્ટ દિલીપ બિલ્ડકોન પાસે છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના સારોલી-કડોદરા રોડ પરની છે જ્યાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે આજ રોજ મેટ્રો બ્રીજના સ્પાનના બે ભાગ થઇ ગયા હતા. આ સદનસીબે આ સમયે દુર્ઘટના બની નથી. સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમ્યો હતો..આ રોડ પર હજારો વાહનચાલકો અવર-જવર કરતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના ન બને તે માટે રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી. રસ્તો બંધ થતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓનો કાફલો તેમજ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

હજુ તો મેટ્રો બ્રીજની કામગીરી ચાલુ છે ત્યાં જ ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યું છે તેવા અનેક આક્ષેપ વિપક્ષ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. દુર્ઘટના તો ન કહી શકાય પરંતુ આ ગંભીર બેદરકારીના પરિણામ છે. આ વિસ્તાર છે તે ટેક્સટાઇલ માર્કેટનો હબ વિસ્તાર છે. કોઈ ઘટના ઘટે તો અનેક લોકોને જાન હાની થઇ શકે છે. તેવા આક્ષેપ લગાડવામાં આવ્યા હતા.