રાજકોટની કટારિયા ચોકથી કણકોટ ચોક સુધીનો રસ્તો ફોર-લેન બનશે : 31 કરોડના ખર્ચે રસ્તો બનાવવા દરખાસ્તને મળી મંજૂરી
ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઇ હતી જેમાં કુલ 3.418 કરોડના વિકાસકામો મંજૂર કરાયા હતા. વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરએ જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ 3.418.74 કરોડના કામો મંજૂર કરાયા હતા જેમાં મુખ્ય કામોમાં 126 કરોડના ખર્ચે રાજકોટથી ભાદર ડેમ સુધીની નવી લાઇન, 31 કરોડના ખર્ચે રિંગ રોડ ફોર ટ્રેક સહિતના વિકાસકાર્યો કરવામાં આવશે.
કટારિયા ચોકથી કણકોટ ચોક સુધીનો રસ્તો ફોર-લેન બનશે
રાજકોટની વસતી, વિસ્તાર અને વાહન એમ ત્રણેયમાં વધારો થઈ ગયો છે પરંતુ રસ્તાની પહોળાઈ હજુ એટલી જ હોવાથી વારંવાર ટ્રાફિકજામ તેમ અકસ્માત થઈ રહ્યા છે. જૂના રાજકોટમાં તો અત્યારે રસ્તા પહોળા કરવાનું શક્ય જણાઈ રહ્યું નથી પરંતુ નવા રાજકોટમાં આ દિશામાં કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. જ્યાં સૌથી વધુ વાહનોની અવર-જવર રહે છે તે જામનગર રોડથી શરૂ કરી કણકોટ રોડ સુધીના રસ્તાને પહોળો કરવા માટે ત્રણ તબક્કામાં કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પૈકી બે તબક્કાનું કામ મંજૂર થઈ ગયા બાદ હવે ત્રીજા તબક્કામાં કટારિયા ચોકથી કણકોટ ચોક સુધીનો રસ્તો ફોર-લેન બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત આવી છે જેના ઉપર આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને આ દરખાસ્ત પણ મંજૂર કરવાંમાં આવી છે.
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે અગાઉ જામનગર રોડથી કણકોટ ચોક સુધીનો રસ્તો કે જે મહાપાલિકાની હદમાં આવે છે તે રસ્તાને ત્રણ તબક્કામાં ફોર-લેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગર રોડથી પ્રથમ તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ બીજો તબક્કો પણ શરૂ કરી દેવાયા બાદ હવે ત્રીજા તબક્કામાં કટારિયા ચોકથી કણકોટ ચોક સુધીનો 2790 રનિંગ મીટરના રસ્તાને ડેવલપ કરવામાં આવશે. આ માટે 10.50 મીટરનો કેરેઝ-વે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન તેમજ ત્રણ પાઈપ કલવ્યૅના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :35 વર્ષે 106 કરોડના ખર્ચે ભાદરડેમની પાઇપલાઇન બદલાવાશે: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળી મંજૂરી
આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.દ્વારા 4.32% ઓછા ભાવ ભરતા 31.05 કરોડના ખર્ચે તેને કામ આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી જેના પર આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.
