- રાજ્યમાં માર્ગ અસલામતિ : છ મહિનામાં 3899 લોકો કાળનો કોળિયો બન્યા
- માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારની સંખ્યા ચિંતાજનક; ઓવરસ્પીડિંગના કેસ વધ્યા : 1,59,891 લોકો સામે કાર્યવાહી
અમદાવાદ
રાજ્યમાં માર્ગ સલામતિના ગમે તેટલા બણગા ફૂંકવામાં આવતા હોય પણ માર્ગ અકસ્માતો વિકરાળ અને ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન એટલે કે વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 3,899 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની એક્ઝિક્યુટીવ કમિટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું.
તાજેતરમાં રાજ્યભરમાં ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવા માટે પોલીસ દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેને પગલે રાજ્યમાં નિયમોનું પાલન કરવા તથા વિવિધ ઉલ્લંઘનની સ્થિતિને ઘટાડવામાં મદદ મળી છે. તેને લીધે માર્ગ અકસ્માતમાં જાનહાનિની ઘટનાને ઘટાડી શકાઈ છે તેવો દાવો પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી-જૂન,2023માં 4,235 ઘટના બની હતી, જે આ વર્ષે આ સમયગાળામાં 3,899 બની છે. જોકે તે હજુ પણ ચિંતાજનક સ્તરે છે.
વર્ષ 2023ના જાન્યુઆરી-જૂન મહિના દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 4,235 હતી, જે આ વર્ષે આ અવધિમાં આ આંકડો 3899 રહ્યો છે.આમ ગત વર્ષની તુલનામાં રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુની સંખ્યામાં આશરે 8 ટકાનો ઘટાડો આવ્યો છે.
ટ્રાફિક નિયમોના પાલન માટે રાજ્ય પોલીસે વર્ષ 2024ના પ્રથમ છ મહિનાના ગાળામાં આકરા પગલાં ભર્યાં છે. વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં વધારે પડતી ઝડપથી વાહન ચલાવનાર એટલે કે ઓવરસ્પીડિંગ કરનાર 19,611 લોકો સામે પગલાં ભર્યાં હતા, અલબત વર્ષ 2024માં ઓવરસ્પીડ સાથે ઉલ્લંઘન કરનાર 1,59,891 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે,આમ તેમાં 715 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં શરાબનું સેવન કરી વાહન ચલાવનાર 9,752 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ આંકડો વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં 52 ટકા વધીને 14,775 થયો છે.