કાલે પેડક રોડ પર
હર હર મહાદેવ શિવ આરાધના’, રવિવારે સોરઠીયાવાડી ખાતે કીર્તિદાન ગઢવી-ધીરુભાઈ સરવૈયા ડાયરાની રમઝટ બોલાવશે
- શહેરના દરેક સર્કલને જન્માષ્ટમીની થીમ આધારે લાઈટિંગ કરાશે: સોમવારે અલગ-અલગ વિસ્તારમાં મટકી ફોડના કાર્યક્રમ
આજથી જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે નાના બાળકથી લઈ મોટેરા સુધીના તહેવારોને માણવા માટે થનગની રહ્યા છે. બીજી બાજુ આ તહેવારોમાં લોકોને જરા પણ ઓછું ન આવે તે માટે દિવાળી જેવો જ જલ્સો જન્માષ્ટમીએ પણ મહાપાલિકા દ્વારા કરાવાશે. એકંદરે આવતીકાલથી મતલબ કે રાંધણછઠ્ઠથી જ રાજકોટને જન્માષ્ટમીમય' બનાવી દેવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક બેઠક યોજી હતી જેમાં મનપાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં કાર્યક્રમ સ્થળ આસપાસ સફાઈ, કાર્યક્રમનો પ્રચાર-પ્રચાર, વિસ્તારવાઈઝ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહે તેવું આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. કાર્યક્રમની રૂપરેખા જોવામાં આવે તો આવતીકાલે શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે તેજસ શીશાંગીયા-જીલ એન્ટરટેન્મેન્ટ અદ્વૈત પ્રસ્તુત
હર હર મહાદેવ શિવ આરાધના’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ વોર્ડ નં.૫માં પાણીના ઘોડા પાસે-પેડક રોડ ખાતે યોજાશે. જ્યારે રવિવારે રાત્રે ૮:૩૦ કલાકે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા લોકડાયરો વોર્ડ નં.૧૪, પવન પુત્ર ચોક, સોરઠિયાવાડી સર્કલ ખાતે યોજવામાં આવશે. આ જ રીતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ સ્પર્ધા યોજાશે અને આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોમાંથી પ્રથમ એકથી પાંચ વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે.