- એંજલ બ્રોકિંગના સંચાલક દંપતીએ 103 લોકોને 3 કરોડનો ચૂનો ચોપડયાનું ખૂલ્યું
- શેર બજારમાં ઊચું વળતર આપવાનું કહી લોકો પાસે રોકાણ કરાવી 6 માસમાં ફુલેકું ફેવી નાખ્યું હતું
- પેટા : ગાંધીગ્રામ પોલીસે દંપતીને કર્ણાટકથી પકડીને 8 દિવસના રિમાન્ડ પર લેતા પોપટની જેમ બોલવા લાગ્યા : હજુ પણ છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ શહેરમાં રેલનગરમાં રહેતા અને જામનગર રોડ પર નાયબ નિયામક જમીન દફતર સરવે ભવનમાં કોન્ટ્રાક્ટમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતા રાહુલભાઇ સંજયભાઇ વાઘેલા સહિતે 53 લોકોને રોકાણમાં સારું વળતર આપવાની લાલચે રૂ.1.77 કરોડની છેતરપિંડી કરનાર એંજલ વન બ્રોકિંગના સંચાલન દંપતીને ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્ણાટકના હુબલીની પકડી પાડી તેમને 8 દિવસના રિમાન્ડ પર લીધા હતા. જેમાં તેઓએ 103 લોકોને રોકાણ કરી ઊચું વળતર મેળવવાની લાલચ આપી રૂ.3 કરોડની છેતરપિંડી કર્યાની કબૂલાત આપી હતી.અને હજુ પણ આ આંકડો વધવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે એસીપી રાધીકા ભારાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2023માં રેલનગરના રાહુલભાઇને તેના બનેવી મારફતે 150 ફૂટ રિંગ રોડ પર એંજલ વન બ્રોકિંગ નામે શેરબજારની ઓફિસ ચલાવતા આરોપી રાહુલ રણજિતભાઇ સોની અને તેની પત્ની અદિતિ સોની સાથે પરિચય થતાં માસિક 22 ટકા વળતરે પૈસાનું રોકાણ કર્યું હતું. બાદમાં 6 માંસમાં જ દંપતીએ ફોન અને ઓફિસ બંધ કરી નાસી જતા તેને તપાસ કરતા તેના સહિત કુલ 53 લોકોના રૂ.1.77 કરોડ ડૂબ્યાનું ખૂલતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મામલે પોલીસની ટીમે આરોપી દંપતીને એક વર્ષ બાદ હુબલીથી પકડ્યા હતા. અને તેઓને 8 દિવસના રિમાન્ડ પર લીધા હતા. જેમાં પૂછતાછ કરતાં આરોપી પોપટની જેમ બોલવા લાગ્યા હતા.અને તેઓની પેઢીમાં 103 લોકોએ રૂ.3 કરોડનું રોકાણ કર્યાનું જણાવ્યું હતું.અને તેઓના તમામના પૈસા પોતે બુચ મારીને ભાગી ગયા હતા.
વધુમાં એસીપીએ જણાવ્યું હતું કે,છેતરપિંડીનો આંકડો હજુ પણ વધી શકે તેવી પ્રબળ શંકા છે. કારણકે ઘણા રોકાણકારો બદનામીના ડરથી ફરિયાદ કરવા માટે બહાર આવ્યા નથી પરંતુ જો તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.