દિલ્હી અને ગાંધીનગરમાં મળેલી હાઈલેવલની બેઠકમાં IBના રીપોર્ટ અંગે ચર્ચા થયાનો ધડાકો
IBએ ગુજરાતમાં ભાજપની ૨૬માંથી કેટલીક બેઠક ઓછી થઈ શકે છે તેવો રીપોર્ટ આપ્યો હોવાની ચર્ચા
- બેઠકમાં રીપોર્ટની ગંભીરતાપૂર્વક ચર્ચા
જે કરવું હોય તે કરો, જેને બદલવા હોય તેને બદલો, નવી નિમણુંક કરો પણ બેઠકોનું નુકસાન ન જવું જોઈએ તેવી સ્પષ્ટ સુચના અપાઈ
ગત અઠવાડિયે પહેલા દિલ્હીમાં અને પછી ગાંધીનગરમાં મળેલી ભાજપની હાઈલેવલની બેઠકમાં સંગઠનમાં ફેરફાર, બોર્ડ-નિગમમાં નિમણુંક અને મંત્રી મંડળના વિસ્તરણ સંદર્ભે ચર્ચા થઇ હોવાનું બહાર આવ્યા બાદ હવે એવી વાત બહાર આવી છે કે, આ બેઠકના મુખ્ય એજન્ડામાં સ્ટેટ આઈ.બી.નો રીપોર્ટ હતો. ભાજપના અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર, આઈ. બી. એ તાજેતરમાં તૈયાર કરેલા રિપોર્ટથી ભાજપને ચિંતા થઇ છે. આ રીપોર્ટમાં લોકસભાની ૨૬ પૈકી કેટલીક બેઠકનું નુકસાન જઈ શકે છે તેવું સ્પષ્ટ જણાવાયું છે.
પ્રદેશ ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ ઈન્ટેલીજન્સ બ્યુરોએ તાજેતરમાં બનાવેલા રીપોર્ટમાં લોકસભાની આગામી ચૂંટણીની તમામ બેઠકની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે અને આ રીપોર્ટમાં કઈ કઈ બેઠક ભાજપ માટે જોખમ ઉભું કરી શકે છે તેવું સ્પષ્ટ જણાવાયું છે. આ સુત્રો અનુસાર, લગભગ અડધો ડઝન બેઠક એવી દર્શાવવામાં આવી છે કે જ્યાં ભાજપ માટે જોખમ ઉભું થઇ શકે છે.
આ રીપોર્ટ આવ્યા બાદ હાઈકમાન્ડે તાજેતરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવ્યા હતા અને આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ દિલ્હી ગયા ત્યારે સંગઠનમાં ફેરફાર અને બોર્ડ-નિગમમાં નિમણુંક બાબતે ચર્ચા થઇ હોવાનું જાહેર થયું હતું પરંતુ અત્યંત વિશ્વસનીય વર્તુળોએ કહ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય એજન્ડા આઈ.બી.નો રીપોર્ટ હતો.
દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ ભાજપના નેતાઓ પરત આવી ગયા હતા પરંતુ બીજા જ દિવસે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશના ટોચના અન્ય હોદેદારો સાથે મોડી રાત સુધી બેઠક કરી હતી.
આ સુત્રોએ કહ્યું હતું કે, આ બેઠકમાં જે બેઠક ઉપર જોખમ હોવાનું આઈ.બી. એ કહ્યું છે તે તમામ બેઠક બાબતે ચર્ચા થઈ હતી અને ક્યા ક્યા મુદ્દા ભાજપની સામે આવી શકે છે તે અંગે પણ ચર્ચા થઇ હતી.
સુત્રોએ તો ત્યાં સુધી કહ્યું હતુ કે, ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠક જીતીને હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખીને આગલા ચાલી રહ્યો છે ત્યારે જ આવો રીપોર્ટ આવતા નેતાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે અને આવી સ્થિતિ ન આવે તે માટે બધું જ કરી છૂટવાની તૈયારી કરી છે.
એક નેતાએ કહ્યું હતું કે, આ બેઠકમાં જે બેઠકો જોખમી લાગી રહી છે ત્યાં કાર્યકરોને વધુ સક્રિય કરવા, જરુરુ પડ્યે ઉચ્ચ અધિકારીની બદલી અને નવી નિમણુંક કરવા પણ સુચના આપવામાં આવી છે.
સુત્રોએ છેલ્લે એમ પણ કહ્યું હતું કે, જે તે બેઠકના પ્રભારી મંત્રી, શહેર-જિલ્લા પ્રમુખ અને કેટલાક નેતાઓને અત્યારથી સાવધ કરી દેવાયા છે અને કામે લાગી જવા જણાવાયું છે સાથોસાથ સંબંધિત અધિકારીઓની બદલી કરવાની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે.
સ્ટેટ આઈ.બી. ના રીપોર્ટ અંગે કોઈ અધિકૃત રીતે બોલવા તૈયાર નથી પરંતુ અંદરખાને ૬ થી ૭ બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા સુચન કરવામાં આવ્યું છે. અત્રે નોંધ કરવી જરૂરી છે કે, દરેક ચૂંટણી પૂર્વે આઈ.બી. આ પ્રકારે અહેવાલો તૈયારી કરતુ હોય છે અને તેના આધારે સરકાર કે સત્તાધારી પક્ષ જમીની હકીકતથી વાકેફ થતા હોય છે.