રાજકોટમાં સફાઈ માટે સરકાર આટલા કરોડ રૂપિયા આપશે
‘નિર્મળ ગુજરાત ૨.૦’ ના અસરકારક અમલ માટે રાજ્યભરમાં ૨૪૦ કરોડ રૂપિયાની ફાળવણી
શહેરમાં પ્રવેશ માટેના મુખ્ય રસ્તાઓ, એપ્રોચ રોડની સફાઈ અને આઈકોનિક રોડ વિકસાવવા માટે સહાય અપાશે.
જ્યાં કચરો વધુ ભેગો થતો હોય ત્યાંથી કચરો હટાવી બ્યુટીફિકેશનના કામો માટે વિશેષ સહાય અપાશે.
શહેરોને ‘મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ’ અને ,સફાઈ કર્મીઓને ‘શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ’ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત વિવિધ નવા આયામો માટે ૨૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ જાગરૂકતા આવે અને ગુજરાત સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બને તેવા હેતુથી મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને સફાઈવેરા પ્રોત્સાહન અન્વયે વેરાની વસુલાતની ટકાવારીમાં વધારા માટે પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના પ્રવેશ માટે મુખ્ય રસ્તાઓ તથા નગરના કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે પણ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકાએ શહેરની હદ વિસ્તારથી ૫ કિલોમીટર સુધીના અને નગરપાલિકાઓએ શહેરની હદથી ૨ કિલોમીટર સુધીના રસ્તાઓની સઘન સફાઈ કરવાની રહેશે. એટલું જ નહીં, નગરમાં પ્રવેશ માટેના એપ્રોચ રોડની સફાઈ અને કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે.
આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને જે આર્થિક સહાય આપવામાં આવશે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેકને ૨ કરોડ રૂપિયા; ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રત્યેકને ૧.૫ કરોડ રૂપિયા; “અ” વર્ગની નગરપાલિકાને પ્રત્યેકને ૧ કરોડ રૂપિયા, “બ” વર્ગની પ્રત્યેકને ૭૫ લાખ રૂપિયા તથા “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓને પ્રત્યેકને ૫૦ લાખ રૂપિયા એમ કુલ ૧૧૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના નગરો-મહાનગરોમાં ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ એટલે કે કાયમી ગંદકી ધરાવતા સ્થાનો પરથી સંપૂર્ણ ગંદકી નિકાલ કરીને તથા આવા પોઇન્ટને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે આવી જગ્યા પર શિલ્પ, ગાર્ડન, ટ્રી પ્લાન્ટેશન વગેરે બ્યુટીફિકેશન કામગીરી માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્રત્યેક ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ માટે રૂપિયા ૧ લાખની વન ટાઈમ સહાય આપવામાં આવશે. આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્વચ્છતા સંદર્ભમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય, સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાને લઈને નગરોની વસ્તીના આધારે ‘મારું શહેર, સ્વચ્છ શહેર’ ની ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરાશે.
૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતી મહાનગરપાલિકાને રૂપિયા ૫ કરોડ, ૧૦ લાખથી ઓછી વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓને રૂપિયા ૪ કરોડ, “અ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ૩ કરોડ, “બ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ૨ કરોડ તથા “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ૧-૧ કરોડ પ્રમાણે એવોર્ડ અપાશે.
રાજ્યના શહેરોની સ્વચ્છતા અને સફાઈની કામગીરીમાં મુખ્ય અને મહત્વની ભૂમિકા નિભાવતા સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ સફાઈ કર્મચારી તરીકે બિરદાવીને નાણાંકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
આ માટે મહાનગરપાલિકાઓમાં માસિક ધોરણે વોર્ડ દીઠ એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવશે અને તેને રૂપિયા ૧૦ હજારની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે નગરપાલિકા કક્ષાએ માસિક ધોરણે નગરપાલિકા દીઠ એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરીને તેને પણ રૂપિયા ૧૦ હજારની આર્થિક સહાય અપાશે. આમ, રાજ્ય સરકાર શ્રેષ્ઠ સફાઈ કર્મચારી માટે કુલ રૂપિયા ૪ કરોડની સહાય પૂરી પાડશે.