રાજકોટ સિવિલમાં ટેન્ડર વગર થતી દવા ખરીદીનો ખેલ ખતમ : હવે GMSCLના રેટ કોન્ટ્રાકટર પાસેથી જ કરવી પડશે ખરીદી
રાજ્યના આરોગ્ય વિભાગે રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિતની રાજ્યની તમામ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં લાંબા સમયથી વગર ટેન્ડરે થતી દવાની ખરીદીનો ખેલ એક જ ઝાટકે ખતમ કરી નાખી તા.26 ઓગસ્ટના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરી હવેથી કોઈપણ દવાની ખરીદી GMSCL માન્ય રેટ કોન્ટ્રાકટર પાસેથી જ કરવા તેમજ જરૂર પડે તો માત્ર પંદર દિવસની જરૂરત મુજબ જ સ્થાનિક જનઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ દવા જ ખરીદ કરવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, લાગતા વળગતાઓને કમાવી દઈ કમિશન ખાવા અત્યાર સુધી જન ઔષધિ કેન્દ્રને વચેટિયાની ભૂમિકામાં રાખી કરોડોની દવા વગર ટેન્ડરે ખરીદી કરવામાં આવતી હોવાની બાબત આરોગ્ય વિભાગના ધ્યાને આવતા આ નિર્ણય લેવાયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અંડર સેક્રેટરી હિતેન્દ્ર મોરની સહીથી આરોગ્ય વિભાગે ગત.તા.26ના રોજ મહત્વનો પરિપત્ર કર્યો છે જેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજો, હોસ્પિટલો, જિલ્લા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં દવાઓ કે સાધનોની ખરીદી માટે GMSCLના રેટ કોન્ટ્રાક્ટ હોવા છતાં સ્થાનિક ખરીદી કરવામાં આવી રહી છે. યોગ્ય ટેન્ડર પ્રક્રિયા વિના ખરીદી કરાઈ રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સમાંથી જેનરિક દવાઓ સિવાયની વસ્તુઓ એટલે કે ઈમ્પ્લાન્ટ તેમજ વિવિધ કિટ પણ મેળવાઈ રહી છે.
દવા તેમજ મેડિકલ સાધનોની મોટા પ્રમાણમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી ટેન્ડર વગર ખરીદી કરવામાં આવતી હોવાની બાબતો સામે આવતાં આરોગ્ય વિભાગે હોસ્પિટલોને રેટ કોન્ટ્રાક્ટનો ફરજિયાત ઉપયોગ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જ્યાં સુધી માન્ય રેટ કોન્ટ્રાક્ટ હોય ત્યાં સુધી તમામ સંસ્થાઓએ GMSCL દ્વારા દવાઓ, સાધનોની કરજિયાત ખરીદી કરવી પડશે. રેટ કોન્ટ્રાક્ટ હોય ત્યારે કોઈ સ્થાનિક ખરીદી કરી શકાશે નહિ. જો જીએએસસીએલ દવાઓ સપ્લાય ન કરી શકે તો આ તંત્રને જાણ કરીને અથવા તો રેટ કોન્ટ્રાક્ટર પાસેથી અથવા તો જનઔષધિ સ્ટોર્સમાંથી અસ્થાયી રીતે ખરીદી કરી શકાશે. આ ખરીદીનો જથ્થો 15 દિવસથી વધુ ન હોવો જોઈએ, જો આ નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે અને અધિકારીઓને ભૂલ માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાવમાં આવશે તેમ પણ સ્પષ્ટ પણે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
રાજકોટ સિવિલમાં વર્ષે દસ કરોડથી વધુની ખરીદી
આરોગ્ય વિભાગે ખાસ પરિપત્ર કરી દવાની ખરીદી રેટ કોન્ટ્રાકટર કે, GMSCL એટલે કે, ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રેટ કોન્ટ્રાકટર મારફતે જ કરવા આદેશ કર્યો છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે મળતિયાઓને ખટાવવા તેમજ તગડું કમિશન મેળવવા માટે વગર ટેન્ડરે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતેથી દસેક કરોડથી વધુની ખરીદી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે, જન ઔષધિ કેન્દ્રો પાસે દવાઓ તેમજ ઇમ્પ્લાન્ટ ઉપલબ્ધ ન હોવા છતાં જન ઔષધિ કેન્દ્રના કર્તાહર્તા વચેટિયાની ભૂમિકા ભજવી બજારમાંથી આવી દવા કે સાધનો ખરીદી કરી સીવીલને આપતા હતા અને સિવિલ સત્તાવાળાઓ હસતા મોઢે મોંઘા ભાવે આવી દવાઓ અને સાધનો ખરીદી કરતા હતા પરંતુ સરકારના પરિપત્રથી હવે આ ખેલ બંધ થશે.
