ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે : રાજકોટ સહિત છ શહેરોમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ થશે કાર્યરત
ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યુનિટ ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.
વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં 1 SP., ૬ DYSP અને 13 PI સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં ૩૪ અધિકારી કર્મચારીઓ હતા, જે હવે નવું યુનિટ ઓપરેશનલ થતા 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો : રાજકોટમાં 13 વર્ષની બાળકીને ફસાવી નોનવેજના ધંધાર્થીએ આચર્યું દુષ્કર્મ : રાત્રે 3 વાગ્યે પોતાના ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો
આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે. આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, જે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે.
