રાજકોટની માધાપર (ડિસ્કો) ચોકડીએ રસ્તાની હાલત અત્યંત ખરાબ : રિપેર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી
રાજકોટમાં અત્યારે શેરી હોય કે મોટા રસ્તા હોય ક્યાંય ખાડા પડ્યા ન હોય તેવું દેખાશે નહીં. અત્યારે સૌથી વધુ હાલત ખરાબ હોય તો તે માધાપર ચોકડીની છે. અહીં આખો દિવસ નાના-મોટા હજારો વાહન અવર-જવર કરતા રહે છે આમ છતાં અહીં ખાડા બૂરવામાં તંત્ર હદ બહારનું વામણું પૂરવાર થઈ રહ્યું હોય હવે ઉગ્ર આંદોલનની તૈયારી કરવામાં આવી છે.

અહીં અડધાથી એક ફૂટ સુધીના ખાડા તંત્રની આબરૂનું ચિરહરણ કરી રહ્યા છે ! આમ છતાં તંત્રને કશી જ પડી ન હોય તે પ્રમાણે આ દિશામાં કાર્યવાહી કરતું ન હોય હવે તેને બરાબરનું ઢંઢોળવામાં આવશે. આ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે માધાપર ચોકડીએ મસમોટા ખાડા પડી જવાને કારણે વરસાદી પાણી તેમાં ભરાઈ રહ્યું છે. !

રસ્તેથી પસાર થતા હજારો વાહન ચાલકોના વાહન ડિસ્કો કરતા કરતા પસાર થાય છે અને અકસ્માત પણ થઈ રહ્યા છે આમ છતાં તંત્ર મસમોટી વાતો કરવામાં જ વ્યસ્ત જોવા મળી રહ્યું છે. અહીંથી તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓના વાહને કાફલા સાથે પસાર થઈ રહ્યા હોવા છતાં તેમની નજરે પ્રજાની પીડા પડી રહી નથી. કોંગ્રેસ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી આમ છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું હોય હવે લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
