રોડની આ બાજુનો ધંધો મારો અને સામી બાજુ તારી…!! રાજકોટના મેટોડા વિસ્તારમાં બુટલેગરોએ વિસ્તારો વહેંચ્યા..?
રાજકોટની નજીક કાલાવાડ રોડ પર રાજકોટ રૂરલ પોલીસના એરિયામાં બૂટલેગરો વિસ્તારો વેચીને નશીલા પાણીનું બેફામ વેચાણ કરી રહ્યાની અને ચાર બૂટલેગર્સમાં પી ફોર પીની જોડી, સૂર્યના ઉપનામધારી તેમજ આશીક તથા અજર (બન્ને નામ બદલ્યા છે)ને અંદરના જ રૂરલની એજન્સી અને સ્થાનિકના બે જુવાન સાથે લાખેણા સેટિંગ સાથે લીલીઝંડી મળી ગયાની ભારે ચર્ચા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત નહીં રાષ્ટ્રીય લેવલે મેટોડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિખ્યાતી પામ્યો છે. ઘણી એવી ઈન્ડસ્ટ્રીઝ, કંપનીઓ છે કે જેઓના વિદેશી કંપનીઓ સાથે કોલોબ્રેશન છે, અથવા તો અહીંના ઉત્પાદિત ટૂલ્સ, મશીનો વિદેશમાં સપ્લાય થાય છે. આમ, હવે ઈન્ટરનેશનલ લેવલે પણ મેટોડા જીઆઈડીસીની નામના પ્રસરી છે. સાથે પોલીસની મીઠી નજર કે આળશ અથવા અજાણપણાના કારણે દારૂ જેવું દૂષણ પણ પ્રસર્યું છે.
મેટોડા જીઆઈડીસીમાં અન્ય પ્રાંતના પણ અસંખ્ય લોકો કામ કરે છે અને પરપ્રાંતિયોના વસવાટ છે. આવા પરપ્રાંતિયો તથા સ્થાનિકોમાં જેઓ પ્યાસી કે પીવાની ટેવવાળા છે તેમને અહીં-તહીં ક્યાં ભાગવા, દોડવાની જરૂર ન પડે તે રીતે કેફી પીણાની બોટલો, પાઉચનું ખૂલ્લેઆમ નેટવર્ક ચાલી રહ્યું છેની ચર્ચા છે.
વિસ્તાર વધે તેમ ડિમાન્ડ અને ધંધાર્થીઓ પણ વધેની માફક અગાઉ પી ફોર પી અપ્પુ (નામ બદલ્યું છે) મહેશ (નામ બદલ્યું છે)ની જોડીનો ધંધો ધમધોકાર ખૂલેઆમ ચાલતો હતો. મેટોડા જીઆઈડીસીના ગેઈટ અંદર એક રેસ્ટોરન્ટના નામે અંદર કે પાસે જ ખૂલ્લેઆમ ગોળ નાખો તેટલું ગળ્યુંની માફક જે માગો તે બ્રાન્ડની બોટલો મળી રહેતી હતી. મહેરબાન બે જવાનની જોડીની લાખેણી મીઠી નજર હતી કે વહીવટ હતોની વાતો હતી. હવે જવાનની આ જોડીએ પણ જમાવટ પકડી હોય તેમ ચાર-ચાર ધંધાર્થીને લાખેણી લીલીઝંડી આપીને આંતરિક
માથાકૂટો ન થાય તે માટે જેટલો મોટો ‘વજન’ એ મુજબના વિસ્તારો વહેચી દીધાની અથવા તો મંજૂરી મેળવનારા ચારેય ધંધાર્થીએ આપસી સમજૂતિ સાતે વિસ્તારોની ભાગબટાઈ કરી લીધાની વાતો છે. જો અને તો તેમજ આ ધંધા સાથે સંકળાયેલાઓમાં ચાલતી વાતો કે ચર્ચામાં પી ફોર પીની જોડીને મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં મોટા પેકેજ આજે ઇંગ્લિશ તથા દેશી
બન્નેનેની લીલીઝંડી છે. પેકેજ મોટું હોવાથી આ જોડીને મેટોડા જીઆઈડીસીના ગેઈટ વિસ્તારો અને અંદરની તરફના ઉદ્યોગિક એરિયામાં ખૂલ્લી લીલીઝંડી છે અને માંગો તે બ્રાન્ડની બોટલોનું વિતરણ થાય છે અને મિનરલ વોટરની બોટલ માફક ખૂલ્લેઆમ જાહેરમાં જ નક્કી કરેલા પોઈન્ટ્સ પર મળી રહે છે.
આવી જ રીતે સૂર્યના ઉપનામવાળા ધંધાર્થીને કારમાં હેરફેર સાથે હરિપર પાટિયાથી છાપરાના પાટિયા સુધીની છૂટ છે. કારમાં હરતી-ફરતી દુકાન તેમજ ચોક્કસ જગ્યાએ પણ માલ મળી રહે છે જેનું પેકેજ પણ લાખેણું છે. છાપરા નજીકના જ વિસ્તારમાં આશીક તથા અજર ઉર્ફે ઢીંગલીને ચાર પોઈન્ટસ (જગ્યા) અપાઈ છે. આ બન્ને પાસેથી પણ લાખેણું બાંધણું બંધાયાની ચર્ચા છે.
ચારેય ધંધાર્થીઓને લોકલ એજન્સીમાં તપતા સૂરજ જેવા અને સ્થાનિકમાં જોગી જેવું રાજ ધરાવતા બે જવાનની જોડીની મીઠી નજર. લાખેણી લીલીઝંડી હોય તેમ એક દુકાનમાં પાણીની બોટલોના કાર્ટુન પડ્યા હોય એ રીતે લાલ કે આવા કલરના પાણીવાળી બોટલોના કાર્ટુન ટેબલ પર પડેલા હોય છે તેવો વીડિયો પણ વાયરલ થયો છે.
ખરેખર આ છાપરા ગામનો છે. મંજૂરીવાળા ધંધાર્થીની દુકાનનો વીડિયો, દશ્યો કે કેમ? તે તો વીડિયો વાયરલ કરનાર કહી શકે. મેટોડા પોલીસ કે એલસીબી દ્વારા હજુ સુધી આવા બૂટલેગર્સ કે દારૂ પકડાયાનું ઓનપેપર ક્યાય છે નહીં જેથી ચાર બૂટલેગર્સને મેટોડા પંથકમાં મંજૂરી અપાઈ, પાઉચ બોટલો વેચાય છે એ માત્ર ચર્ચા કે અફવા માનવી પડે.
રૂરલના ઉપરીઓ અજાણ કે ? મેટોડાની સાથે પડધરી લોધીકા પણ ચર્ચામાં !
જે રીતે મેટોડા પંથકમાં ખૂલ્લેઆમ લાલ પાણીની બોટલો, પાઉંચો વિસ્તારો વેચીને વેચાય છે એટલું ખૂલ્લું નહીં પરંતુ એવી રીતે જ આવા ધંધા લોધીકા અને પડધરી વિસ્તારમાં પણ ચાલતા હોવાની કહી સૂની જેવી ચર્ચા છે. રાજકોટ રૂરલ એરિયામાં દારૂ, જુગાર કે આવી કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ નહીં ચાલવા દેવાયના હિમાયતી એસપી તો નવો વિસ્તાર છે એટલે અજાણ હોઈ શકે પરંતુ સ્થાનિક એજન્સીઓ અન્ય અધિકારીઓ પણ અજાણ હશે ? કે પછી આ અધિકારીઓ તેમની વિશ્વાસુ જોડીના વિશ્વાસ પર હશે ? અને આ જોડીએ અધિકારીઓના વિશ્વાસનો દુરૂપયોગ કરીને બારોબાર લાખેણી લીલીઝંડી આપી દીધી હશે ? આવી જો અને તો જેવી વાતો વહેતી હશે. એવું પણ કહેવાય છે કે આ મંજૂરીવાળા પાસે કોઈ ખાખીધારી અજાણતા જઈ ચડે તો કહી દેવાય છે કે ફલાણા સાથે વાત કરી લ્યો મંજૂરી છે. જો આ વાત સત્ય હોય તો પોલીસ માટે કે અધિકારીઓ માટે શર્મનાક કહેવાય.
નંબર વિનાના ટૂ-વ્હિર્લ્સમાં આગળ દેશી, ડિક્કીમાં ઇંગ્લિશ મળી રહે !
: પેટા ધંધાર્થીઓ કમિશન પર મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં જોડીએ આપેલા માલ કે તેમના જ પેટા ટૂ-વ્હિલર્સ એક્સેસ, એક્ટિવા કે આવા નંબર પ્લેટ વિનાના ટૂ-વ્હિલર્સમાં ચોક્કસ પોઈન્ટ પર કે ઈન્ડસ્ટ્રીઝ નજીક શ્રમિકોને છૂટવાના સમયે ઉભા રહે કે ફરતા હોય છે. ટૂ-વ્હિલર્સના આગળના ભાગે કોથળા કે આવા થેલામાં દેશી પાઉચનો જથ્થો હોય અને જો કોઈને ઇંગ્લિશ પીણું જોઈતું હોય તો ડિક્કીમાં સાથે જ હોય, પાઉચ 50 થી 150 સુધીમાં અને બોટલ 1000, 1200, 1500 જેવો ગ્રાહક એ રીતે પોલીસના કે કોઈ એજન્સીઓના ખૌક, ડર વિના ખૂલ્લેઆમ વેચતા હોવાની ચર્ચા છે.