એજન્સીએ આપ્યું નહીં, RMCએ માંગ્યું નહીંઃ હવે કહે છે, દર સપ્તાહે બધું ચેક કરશું !
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં બેદરકારીના પડ એક બાદ એક ઉખડી રહ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બસના ચાલક શિશુપાલસિંહ રાણાનું ડ્રાયવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયાને બે મહિના વીતી જવા છતાં તેને રિન્યુ કરાવવાની તસ્દી ન તો ખુદ ડ્રાયવરે લીધી કે ન તો તેના સુપરવાયઝરે, આટલું ઓછું હોય તેમ મહાપાલિકા દ્વારા પણ આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે આ અકસ્માત થઈ જવા પામ્યો હતો. દર વખતે મોતનું તાંડવ થાય ત્યારબાદ જ જાગવા માટે ટેવાયેલી મહાપાલિકાએ આ અકસ્માતમાં પણ આવું જ કર્યું છે. અત્યાર સુધી ડ્રાયવિંગ લાયસન્સ સહિતના ચેકિંગમાં ધુપ્પલ ચલાવ્યા બાદ હવે તંત્રવાહકોનું કહેવું છે કે તે દર સપ્તાહે બધું જ ચેક કરશે !
આ બધાની વચ્ચે કોન્ટ્રાક્ટર એજન્સી પીએમઆઈની ડ્રાયવરોને નીચોવી લેવાની વૃત્તિ પણ સામે આવી છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે એજન્સી ડ્રાયવરોને આઠ કલાક સુધી ડ્રાઈવિંગ કરવાના બદલામાં 15,000 પગાર ચૂકવતી હતી અને જો એ જ ડ્રાયવર 16 કલાક સુધી મતલબ કે બે શિફ્ટમાં ડ્રાઈવિંગ કરે તો તેને 30,000 પગાર આપવામાં આવતો હતો. પ્રથમ શિફ્ટ સવારે 6થી બપોરે 2 અને બીજી શિફ્ટ બપોરે 2થી રાત્રે 10 સુધીની રહેતી હતી. એકંદરે વધુ મહેનતાણું મળે એટલા માટે અનેક ડ્રાયવરો બબ્બે શિફ્ટ મતલબ કે 16 કલાક સુધી ડ્રાઈવિંગ કરવાને કારણે અનેક ડ્રાયવરોની સ્થિતિ ખરાબ થઈ જતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
એવી વિગત પણ જાણવા મળી છે કે ડ્રાયવરોનું ફિટનેસ સર્ટિફિકેટ, તેમનું લાયસન્સ રિન્યુ થઈ ગયું છે કે નહીં તે સહિતનું જોવાની જવાબદારી વિશ્વમ એજન્સીના સુપરવાયઝર વિક્રમ ડાંગરની રહે છે જ્યારે બધું જ અપ ટુ ડેટ મતલબ કે કાયદેસર થઈ રહ્યું છે કે નહીં તે જોવાની જવાબદારી મહાપાલિકા હસ્તકના રાજકોટ રાજપથ લિમિટેડના અધિકારી મનિષ વોરાનું છે. આ બન્નેએ પોતાની જવાબદારી સુપેરે ન સંભાળતાં શિશુપાલસિંહે બે મહિના સુધી લાયસન્સ વગર જ બસ ચલાવ્યે રાખી હતી.
બીજી બાજુ મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સી પીએમઆઈનું 30 કરોડ રૂપિયા જેટલી રકમનું બિલ પણ અટકાવી દેવામાં આવ્યું છે. આ 30 કરોડમાંથી 22 કરોડ મહાપાલિકાએ તેને ચૂકવવાના થતાં હોવાનું તેમજ આઠ કરોડ તેની ડિપોઝિટ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે તેને હાલ પૂરતી કશી જ ચૂકવણી કરાશે નહીં. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પૂર્ણ કરી કંપની બ્લેકલિસ્ટેડ થાય તે દિશામાં પણ કાર્યવાહી ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે સરકાર દ્વારા સિટી બસની સ્પિડ લિમિટ 50 કિ.મી. અને સીએનજી બસની 40 પ્રતિ કલાક કિ.મી. નક્કી કરવામાં આવી છે. હવે તેમાં પણ ઘટાડો કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે પરંતુ તેના માટે નિષ્ણાતોનો `મત’ લેવો જરૂરી હોય તે લેવાઈ ગયા બાદ નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને દર સપ્તાહે એક વખત તમામ ડ્રાયવરના ફિટનેસ સર્ટિફિકેટ અને લાયસન્સની ચકાસણી કરવામાં આવશે. અત્યારે 120 ડ્રાયવર કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.
દૂર્ઘટના બને પછી જ જાગવાનું ? મ્યુ. કમિશનર હવે SOP જાહેર કરશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ હોય, એટલાન્ટીસ એપાર્ટમેન્ટ આગકાંડ હોય કે પછી અન્ય કોઈ દૂર્ઘટના હોય મહાપાલિકાનું રીઢું તંત્ર આવી દૂર્ઘટના બને પછી જ જાગવા માટે ટેવાઈ ગઈ હોય તેવી રીતે લોકોના જીવ ગયા બાદ એસઓપી ઘડવાનું `નાટક’ કરતી હોવાનું લોકોને લાગ્યા વગર રહેતું નથી. હવે અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા બાદ સિટી બસના ડ્રાયવર-કંડક્ટરો માટે પણ નિયમો લાગુ કરતી એસઓપી તૈયાર કરવામાં આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે અને સંભવતઃ આજે મ્યુ.કમિશનર દ્વારા આ એસઓપી જાહેર કરવામાં આવશે.
દરેક બસે વર્ષમાં 60,000 કિલોમીટર ફરજિયાત દોડવાનું નહીંતર પેનલ્ટી લાગે !
એવી વિગત પણ સામે આવી છે કે મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સી સાથે એવો કરાર કરવામાં આવ્યો છે કે દરેક બસ વર્ષમાં 60,000 કિલોમીટર ચાલે તો જ તેને પૂરું ચૂકવણું કરવામાં આવે છે અન્યથા પેનલ્ટી લગાવવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો 50 બસ વર્ષમાં 60,000 કિલોમીટર ચાલે એટલે વર્ષમાં તે 30 લાખ કિ.મી. દોડવું ફરજિયાત છે. આ જ કારણથી અનેક બસ ખાલીખમ તો અનેક બસ ભરચક્ક દોડતી હોવાનું ધ્યાન પર આવ્યું છે.
ત્રણ વર્ષમાં સિટી બસના 14 અકસ્માત, 19 લોકોનો ભોગ લેવાયો
પીએમઆઈ કોન્ટ્રાક્ટર એજન્સીને 2022થી સિટી બસના સંચાલનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એકંદરે ત્રણ વર્ષની અંદર સિટી બસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 14 અકસ્માત સર્જ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે 19 લોકોનો ભોગ પણ લેવાયો હતો.