ભક્તો માટે મંદિરના દરવાજા બંધ
સાળંગપુર ભીંતચિત્ર વિવાદ ઘેરો થતાં અચાનક મંદિરના તમામ ગેટ કરાયા
ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત-બેરીકેડ લગવાયા
હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બનતા આજે મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મુખ્યગેટ સહિત તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ભારે સંખ્યામાં પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે અને બેરીકેડ લગાવાયા છે. ગઇકાલે મીડિયાની પ્રવેશબંધી બાદ આજે ભક્તો માટે મંદિરના દરવાજા બંધ કરાયા છે. મંદિરના ગેટ બંધ થતા ભક્તો દર્શન કર્યા વગર અટવાયા છે.
અમને નથી અપાતો પ્રવેશઃ ભક્તો
આ મામલે પોતાની વ્યથા વ્યક્ત ભક્તોએ કહ્યું કે, મંદિરમાં દર્શન માટે કોઈને પ્રવેશ અપાતો નથી. અમને અંદર જવા દેવામાં આવતા નથી. તેઓએ જણાવ્યું કે, વિવાદ જે હોય તે અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ, અમને દર્શન કરવા જવા દેવા જોઈએ. વહીવટી તંત્રના આ નિણર્યથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, શનિ-રવિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો કષ્ટભંજન દેવના દર્શન માટે આવતા હોય છે, પરંતુ કોઈપણ જાતની જાણ કર્યા વગર મંદિરના ગેટ બંધ કરી દેતા હાલ તો ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ભીંતચિત્રો પર કલર મારવાના મામલે 3 સામે ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના ભુપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.