સુરતમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 7
ઘટનાની તપાસ માટે સમિતિની રચના : દોષિતો સામે કાર્યવાહી કરાશે
સુરતના સચિનનાં પાલીગામ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ જવાની ઘટનામાં મૃત્યુઆંક સાત થયો છે. બિલ્ડિંગના કાટમાળમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકાના આધારે NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ રિપોર્ટના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઈમારત ઘણી જૂની હતી અને તેમાં 10-15 લોકો ત્યાં જ રહ્યા. મકાન અચાનક ધરાશાયી થયું ત્યારે જોરદાર અવાજ આવ્યો હતો અને પછી ચારેબાજુ માત્ર ધૂળ જ દેખાતી હતી. બચાવ-રાહતની ટીમે આખી રાત કામગીરી કરી હતી અને કાટમાળ હટાવ્યો હતો. આ કાટમાળ હટાવવા માટે મોટા મોટા મશીન પણ લગાડવામાં આવ્યા હતા. મોદી રાતથી સવાર સુધીમાં સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં હીરામણ કેવટ,અભિષેક કેવટ,સાહિલ ચમાર,,શિવપૂજન કેવટ,પરવેશ કેવટ,બ્રિજેશ ગૌડનો સમાવેશ થાય છે.
હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી ગઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
અનુપમ સિંહ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે આ ઈમારત 2016-17માં બનાવવામાં આવી હતી. લોકો લગભગ પાંચ ફ્લેટમાં રહેતા હતા, જેમાંથી મોટાભાગના લોકો આ વિસ્તારમાં ફેક્ટરીઓમાં કામ કરતા હતા.
