સુરત : ઉમરપાડામા આભ ફાટ્યું, બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્મટ, આ ત્રણેય સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આગામી 4 દિવસ વરસાદનું અનુમાન છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં આજે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 8 થી ૧૦ કલાકમાં 24 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ સુરતમાં વરસાદ વરસ્યો હતો.
સુરના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું છે. સવારે 2 કલાકમાં મેઘરાજા ભયંકરરૂપ ધારણ કરી વરસ્યા છે. બે કલાકમાં અતિભારે પવન સાથે 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. 10 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે. ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે થઇ છે. સવારથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. મોહન નદીમાં પાણીની ભરપૂર આવક છે.
આજે સવારથી સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડામાં આભ ફાટ્યું છે 2 કલાકમાં 10 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે તો ઠેર-ઠેર પાણી જ પાણી ભરાયા છે તેમજ નેત્રંગમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. સવારથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક સ્થળોએ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોડ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.